દુનિયાભરમાં મહામારીનો સમય, ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ અને ઊથલ-પાથલ છતાં બૌદ્ધ ભિખ્ખુ ખુદને કેવી રીતે શાંત રાખી શકે છે. આ સવાલનો જવાબ આપ્યો છે બૌદ્ધ ભિક્ષુ એવા ‘ડોન્ટ વરી’ પુસ્તકના લેખક સુનમ્યો માસુનોએ. માસુનો કહે છે કે, આપણે જો કોઈ કામ આખો દિવસ કરીએ છીએ, તેની અસર શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક ક્રિયા-કલાપો પર થાય છે. જો દિનચર્યામાં આ ચાર બાબતોને સામેલ કરવામાં આવે તો શરીર ઊર્જાવાન રહીને મનને શાંત રાખી શકે છે. હકીકતમાં માનસિક શાંતિની શરૂઆત સવારે વહેલા જાગવાથી અને વ્યક્તિમાં ઉપલબ્ધિની ભાવનાથી થાય છે. આ બંને બાબતો માટે નાની-નાની ટેવોને જીવનમાં અપનાવી શકાય છે. જેમ કે,
• 30 મિનિટ વહેલા જાગોઃ ખૂબ જ વહેલા જાગી જવાનો પ્રયાસ ન કરો. તેનાથી એક પ્રકારનું માનસિક દબાણ અનુભવાશે. આના બદલે તમારા દરરોજ જાગવાના સમયથી 30 મિનિટ વહેલા જાગો. આ વધારાના સમય માટે તમે પોતાના કાર્યોની એક યાદી તૈયાર કરી શકો છો.
• 10 મિનિટ સફાઈ કરોઃ સવારની શરૂઆતની 10 મિનિટ સાફ-સફાઈ અને સ્વચ્છતાને આપો. આ સફાઈ ગમેત્યાં હોઈ શકે છે. ગાર્ડન સાફ કરો. ઘરના કોઈ ભાગની સફાઈ કરો. દરરોજ માટે અલગ-અલગ સ્થાન નક્કી કરો. દિવસની આ શરૂઆત તમારા અંદર એક ઉપલબ્ધિની ભાવના જગાડશે.
• 20 મિનિટ મેડિટેશન કરોઃ માત્ર 20 મિનિટનું એકચિત્તે ધ્યાન મન અને શરીરમાં શક્તિનો સંચાર કરે છે. સવારનું આ ધ્યાન દિનચર્યાની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. જેનાથી તમે ખુદને એકાગ્ર, શાંત અને સંતુલિત અનુભવો છો. આ ધ્યાન તણાવને દૂર રાખવામાં આખો દિવસ મદદરૂપ થાય છે.
• આ બ્રિધિંગ ટેક્નિક અપનાવોઃ તમારા ટંડેન પર ફોકસ કરો. આ બિન્દુ નાભિના થોડા સેન્ટિમીટર નીચે હોય છે. (બેસીએ ત્યારે જ્યાં પેટ વળે છે ત્યાં) ટંડેન પર ધ્યાન કેન્દ્રિત કરીને ધીમે-ધીમે શ્વાસ છોડો. શ્વાસ લેતી વખતે તાજી હવાનો અનુભવ કરો. આંખોને સીધી રાખવાને બદલે થોડી નીચે ઝુકેલી રાખો. લગભગ ૪૫ ડિગ્રી સેલ્સિયસ પર. આ બ્રિધિંગ ટેક્નિક મનને ઝડપથી શાંત કરે છે.
થોડાક દિવસ આટલું કરો અને પછી જૂઓ તમારા જીવનમાં ફરક...