હેલ્થ ટિપ્સઃ માથાના દુખાવાથી મુક્તિ મેળવો દેશી ઉપચારથી

Saturday 03rd August 2024 08:42 EDT
 
 

ગરમીના દિવસોમાં માથાના દુખાવાની સમસ્યા પણ વધી જતી હોય છે. ખાસ તો જે લોકોને માઇગ્રેન હોય તેમના માટે માથાનો દુખાવો સૌથી મોટી સમસ્યા હોય છે. જ્યારે માઈગ્રેનનો દુખાવો શરૂ થાય છે તો તે અસહ્ય થઈ જાય છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં વાયુ અને પિત્ત દોષ અસંતુલિત થઈ જાય છે તો માઈગ્રેનનો દુખાવો થાય છે. દિવસ ચઢતો જાય તેમ માથાનો દુખાવો પણ વધતો જાય છે. આ દુખાવો ઘણી વખત એકથી વધુ દિવસ માટે પણ રહી શકે છે. તમને પણ વારંવાર માથાનો દુખાવો રહેતો હોય તો તમે અહીં દર્શાવેલા ત્રણ આયુર્વેદિક ઉપાયથી માઇગ્રેનની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
• નાડી શોધન: જયારે પણ માથાનો દુખાવો થાય ત્યારે જમણી નાસિકા પોતાના ડાબા હાથની આંગળીથી બંધ કરો અને પાંચ મિનિટ માટે ડાબી નાસિકાથી જ ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવો અને છોડવો. આ પ્રેક્ટિસ દર કલાકે પાંચ મિનિટ કરો. તેનાથી મસ્તિષ્ક અને તંત્રિકા તંત્ર શાંત થશે સાથે સાથે જ શરીરની ગરમી પણ ઓછી થવા લાગશે.
• બદામ અને કિસમિસ: માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવવી હોય તો થોડા દિવસ માટે દરરોજ સવારે પાંચ બદામ અને પાંચ કાળી કિસમિસને રાતભર પાણીમાં પલાળીને ચાવી ચાવીને ખાવાનું રાખો. બદામમાં રહેલું મેગ્નેશિયમ રકતવાહિકાઓને આરામ આપી માથાના દુખાવામાં રાહત આપે છે. બદામ અને કિસમિસ સતત 12 અઠવાડિયા સુધી ખાવા જોઈએ.
• પલાળેલા ધાણા: એક ચમચી ધાણાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ પાણીને ગાળીને પી જવું. આ સિવાય નાસ લેવા માટે પણ ધાણાને ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે એક તપેલામાં પાણી ઉકાળી તેમાં થોડા ધાણા ઉમેરીને તેનાથી નાસ લેવો. આમ કરવાથી સાઇનસના કારણે થતો માથાનો દુખાવો મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter