હેલ્થ ટિપ્સઃ મીઠાં પણ ખૂબ જ ગુણિયલ શક્કરિયાં

Saturday 22nd August 2020 05:53 EDT
 
 

ઠંડા દિવસોમાં બજારમાં જોવા મળતાં શક્કરિયાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. શક્કરિયાં સ્વાદના કારણે તો લોકોને ભાવતાં જ હોય છે પરંતુ એ પણ હકીકત છે કે સ્વાસ્થ્ય માટે પણ શક્કરિયાં ગુણકારી છે. શક્કરિયાંમાં કયાં કયાં પોષકતત્ત્વો રહેલાં છે. તેમજ તે કઈ રીતે આપણને લાભદાયી બની રહે છે તે વિશે થોડું જાણી લઈએ.

• પોષકતત્ત્વો
એક શક્કરિયામાં ૬૯૪ મિલીગ્રામ પોટેશિયમ હોય છે. પોટેશિયમ સિવાય શક્કરિયાંમાં વિટામિન-બી, વિટામિન-સી, કેરાટીન, બીટા કેરાટીન તેમજ કેલ્શિયમ ખાસ્સી માત્રામાં હોય છે. આ તમામ પ્રકારના વિટામિન્સ તેમજ કેલ્શિયમ શરીરના સ્વાસ્થ્ય માટે ગુણકારી રહેવાની સાથે સાથે શરીરને રોગપ્રતિકારક શક્તિ પણ પૂરી પાડે છે. તેથી શક્કરિયાંને આહારમાં તમે ચોક્કસપણે લઈ શકો છો.

• પેટની બીમારી
આજના સમયમાં લોકોમાં જંકફૂડનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. પહેલાંના સમયમાં જંકફૂડનું નામ પણ સાંભળવા નહોતું મળતું, જ્યારે હવે તો લોકો અઠવાડિયામાં સરેરાશ ત્રણથી ચાર વાર જંકફૂડ ખાતા હોય છે. તેથી પાચનમાં તકલીફ અને તેના કારણે એસિડિટીની તકલીફ વધી રહી છે. એસિડિટીની સમસ્યા લાંબો સમય સુધી રહે તો સમસ્યા વકરીને અલ્સરમાં પરિણમે છે. શક્કરિયાં અલ્સરની તકલીફમાં પણ ખૂબ ગુણકારી છે. શક્કરિયાં ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સાથે સાથે એસિડિટીની સમસ્યાથી તમને છુટકારો મળે છે. એસિડિટીની સમસ્યાથી છુટકારો મળવાથી અલ્સર થવાનો ભય પણ ઓછો થઈ જાય છે.

• ડાયાબિટીસ
જે લોકોને ગળ્યું ખાવાનો શોખ હોય તે લોકોને હંમેશાં ડાયાબિટીસ થવાની બીક રહેતી હોય છે. આ લોકો ખાસ શક્કરિયાંનું સેવન કરી શકે છે, કેમ કે શક્કરિયાં સ્વાદમાં મીઠાં પણ હોય છે સાથેસાથે તેમાં સુગરનું લેવલ પણ સંતુલિત માત્રામાં હોય છે. જેથી ગળપણનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે અને ડાયાબિટીસનો ભય પણ રહેતો નથી.

• ડિહાઈડ્રેશનથી બચાવે
આપણે બધા હાલમાં ખૂબ વ્યસ્ત જીવન જીવીએ છીએ. આજકાલના જમાનામાં લોકોનું જીવન જ એ પ્રકારનું થઈ ગયું છે કે વ્યસ્તતા જીવનનો એક ભાગ બની ગઈ છે. આ સમયે જીવન જરૂરિયાતની નાનીનાની વસ્તુ માટે પણ આપણે ઘણી વાર બેદરકાર બની જઈએ છીએ. જેમ કે, આપણે ઘણી જગ્યાએ વાંચ્યું જ હશે કે આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું ચારથી પાંચ બોટલ પાણી પીવું જોઈએ. જોકે આપણામાંના ઘણા એવા હોય છે કે જે માત્ર એક બોટલ પાણી માંડ પીતા હોય છે. આ કારણે ઘણી વાર ડિહાઈડ્રેશનની તકલીફ થઈ જાય છે. શક્કરિયાંમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી તેના સેવનથી ડિહાઈડ્રેશનની તકલીફ રહેતી નથી.
આ સિવાય જે લોકો વજન વધારવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે પણ શક્કરિયાં ખાવાં જોઈએ, કેમ કે શક્કરિયાંમાં સ્ટાર્ચનું પ્રમાણ ઘણું હોવાથી તે વજન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter