સ્વસ્થ શરીર માટે સૌથી જરૂરી છે ઓછું ખાવું અને વધારે શારીરિક મહેનત. જોકે તેનાથી પણ વધુ જરૂરી છે ખોરકામાં જરૂરી પોષક તત્ત્વો. બદલાયેલી જીવનશૈલી, ભોજનમાં ફાસ્ટ ફૂડ અને પેકેજ્ડ ફૂડના વધેલા ચલણના કારણે ખોરાકમાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટી ગયું છે. આમાંની મોટા ભાગની વસ્તુઓમાં ખાંડ, સફેદ મીઠું, મેંદો અને અજીનોમોટો જેવા પદાર્થ સામેલ હોય છે. ખાસ વાત એ છે કે પ્રોસેસ્ડ ફૂડમાં તો આનું પ્રમાણ ખતરનાક સ્તરનું હોય છે.
હાર્વર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર આના કારણે કેન્સર, ટાઈપ-ટુ ડાયાબિટીસ, મેદસ્વિતા, બ્લડ પ્રેશર, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ સિવાય આના વધુ પડતા સેવનથી આયુષ્યમાં ઓછામાં ઓછો ૧૦ વર્ષનો ઘટાડો થાય છે. આ ચાર વસ્તુઓના વધારે પ્રમાણથી કેવું કેવું નુકસાન થાય છે, આવો આપણે જાણીએ.
• મેંદોઃ મેંદો બનાવવા માટે ઘઉંને પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન તેમાં રહેલા ઇન્ડોસ્પર્મનો નાશ થાય છે. આ સિવાય તેનાથી પાચન સંબંધિત અનેક સમસ્યાઓ પણ પેદા થાય છે. આથી બને ત્યાં સુધી ભોજનમાં ટાળો, અને મેંદાની વાનગી ખાવી જ હોય તો અઠવાડિયામાં એક કરતાં વધારે વખત ના ખાવી જોઈએ.
• ખાંડઃ રિફાઇન્ડ સુગર એટલે કે ખાંડને એમ્પટી કેલેરી પણ કહેવાય છે. તેમાં કોઈ પણ જાતના પોષક તત્ત્વો હોતા નથી. જે લોકો શારીરિક શ્રમ કરતા નથી તેમના લિવરમાં તે ફેટના સ્વરૂપે જમા થઈ જાય છે. આખા દિવસ દરમિયાન ચાર ચમચીથી વધુ ખાંડ પેટમાં જવી જોઇએ નહીં. અને ૪૦ની ઉંમર પછી તો આ પ્રમાણ પણ ઘટાડવું જ જોઈએ.
• અજીનોમોટોઃ અજીનોમોટો મોનોસોડિયમ ગ્લુટામેટ છે, જેનો ચાઇનીઝ ફૂડ, સૂપ વગેરેમાં વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આને કૃત્રિમ રીતે ફક્ત સ્વાદ ખાતર લેવાથી દૂર રહેવું જોઈએ.
• સફેદ મીઠુંઃ મીઠું શરીરમાં રહેલા જળસ્તર પર અસર કરે છે. જો આપણે વધારે મીઠું લઈએ તો તેનાથી શરીરમાં વધારાનું પાણી જમા થતાં બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે છે. વળી પાણીનું વધુ પ્રમાણ કિડનીની કામગીરી પર પણ બોજ વધારે છે. આથી ભોજનમાં દિવસ દરમિયાન એક નાની ચમચીથી વધારે મીઠું ના લેવું જોઈએ.