હેલ્થ ટિપ્સઃ યાદશક્તિને તમે આ રીતે સારી રાખી શકો છો

Saturday 27th August 2022 08:17 EDT
 
 

ઉંમરની સાથે યાદશક્તિ ઘટવી સ્વાભાવિક છે, પરંતુ અમેરિકાની જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ અને ‘ધ કમ્પ્લીટ ગાઈડ ટૂ મેમરી: ધ સાયન્સ ઓફ સ્ટ્રેન્થનિંગ યોર માઈન્ડ’ પુસ્તકના લેખક ડો. રેસ્તકનું માનવું છે કે, યાદશક્તિને હંમેશા સારી રાખી શકાય છે. આ ચાર રીત દ્વારા તમે પણ પોતાની યાદશક્તિને મજબૂત રાખી શકો છો.
1) યાદશક્તિને દરરોજ પડકાર આપો
રોજના અનેક કામ છે જેના માધ્યમથી યાદશક્તિને ચેલેન્જ આપી શકાય છે. જેમ કે, ખરીદી માટે તૈયાર કરેલા લિસ્ટને યાદ કરવાનો પ્રયાસ કરો. યાદશક્તિના આધારે સામગ્રી ખરીદો અને ત્યાર પછી એ લિસ્ટ સાથે મિલાવો. પારંપરિક માર્ગના બદલે નવો રસ્તો પસંદ કરો.
2) સ્પોર્ટ્સ જરૂર રમો
રમતગમત - પછી તે શારીરિક હોય કે માનસિક યાદશક્તિ વધારવાનો અકસીર ઉપાય છે. આમાં પણ ચેસની રમત યાદશક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. સુડોકૂ અને કોયડા ઉકેલવા પણ ફાયદાકારક છે. આ ઉપરાંત દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ જેવી હસ્તીઓના નામ ક્રમવાર લખ્યા પછી તે નામને ઊંધા ક્રમમાં લખો. આવી જ રીતે અન્ય મનપસંદ વસ્તુઓ સાથે પણ કરી શકો છો.
3) વાંચો, ખાસ કરીને વાર્તાઓ
સંશોધન અભ્યાસનું તારણ દર્શાવે છે કે યાદશક્તિ સાથે સંબંધિત સમસ્યામાં લોકો કલ્પના કરવાનું બંધ કરી દેતા હોય છે. આનો ઉપાય છે વાર્તા વાંચન. વાર્તા વાંચતી વેળા મગજની શબ્દો સાથેની સક્રિયતા વધે છે. વાર્તાની શરૂઆતથી માંડીને અંત સુધી પાત્રોને યાદ રાખવા પડે છે.
4) ટેક્નોલોજીને મર્યાદિત કરો
ટેક્નોલોજી યાદશક્તિને બે રીતે પ્રભાવિત કરે છે. પ્રથમ આપણે જ્યારે બધું ફોનમાં સ્ટોર કરવા લાગીએ છીએ તો મગજ વસ્તુઓ પર ફોકસ કરવાનું અને તેમને વિઝ્યુઅલાઈઝ કરવાનું કામ છોડી દે છે. બીજું, મોટા ભાગનો સમય ટેક્નોલોજી આપણો ધ્યાન ભંગ કરે છે. આ સ્થિતિમાં આપણે કરવામાં આવતા કાર્યો પર ધ્યાન આપી શકતા નથી. જેને મેમરી લેપ્સ કહે છે. આ સ્થિતિ ટાળવી હોય તો ટેક્નોલોજીનો ઉપયોગ જરૂર કરો, પણ જરૂર પૂરતો જ. બિલકુલ તેના પર નિર્ભરતા ટાળો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter