હેલ્થ ટિપ્સઃ રસોડામાં જ સચવાયું છે અનેક રોગોનું ઓસડ

Sunday 29th August 2021 06:03 EDT
 
 

ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ મસાલા સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને સુધારવામાં પણ બહુ ઉપયોગી બને છે? આ કારણસર જ રસોઇમાં માપસર નિયત મસાલાઓનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે જરૂરી છે.
• લાલ મરચાંઃ લાલ મરચું એન્ટી ઓક્સિડેન્ટ હોય છે અને શરીરને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જેવાં અનેક ઇન્ફેક્શનથી બચાવે છે. તે પાચનને વ્યવસ્થિત કરે છે. ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હોય તો લાલ મરચાંના સેવનથી તમને અચૂક રાહત મળશે.
• લસણઃ લસણમાં રહલું એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીફંગલ તત્ત્વ લસણને એક મજબૂત એન્ટીસેપ્ટિક બનાવે છે. તેનું સેવન કેન્સર તથા અન્ય બીમારીથી પણ બચાવે છે. શરદી રહેતી હોય તો લસણની કળીને ઘીમાં સાંતળીને સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
• આદુંઃ પાચન માટેની તે અકસીર દવા છે, જે શરીરને અંદરથી સાફ કરે છે. એનું સેવન પેટનાં ઇન્ફેક્શનને સુધારવાનું કામ કરે છે. ઠંડી લાગતી હોય તો આદું અને લસણને મિક્સ કરીને ખાવાથી પણ રાહત મળે છે.
• હળદરઃ હળદર બળતરા, પાચનતંત્ર, વાઇરલ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાનો પોતાના ગુણધર્મોથી ઉકલે લાવે છે. તે ત્વચાના રંગને પણ નિખારે છે.
• ધાણાજીરુંઃ ધાણામાં રહેલા એન્ટિસેપ્ટિક ગુણના લીધે ખીલ, કાળા ધબ્બા, સોજો આવવો અને લાલ ચકામા જેવી તકલીફો દૂર થાય છે. આ સિવાય કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરવા માટે પણ ધાણાજીરું ખૂબ ફાયદાકારક નીવડે છે. સ્ત્રીઓમાં માસિક અનિયમિતતા અને વધુ રક્તસ્ત્રાવ જેવી સમસ્યા પણ દૂર કરે છે. નિયમિત ધાણાજીરુંના સેવનથી હાથપગમાં ખાલી ચડી જવાની સમસ્યા પણ દૂર થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter