આયુર્વેદમાં ગોળને દવા માનવામાં આવે છે, એક એવી દવા (!) જે મીઠીમધુરી છે અને ભાગ્યે જ કોઇને નાપસંદ છે. ખાસ કરીને જો તમે ઠંડીમાં રાત્રે જમ્યા પછી ગોળ ખાવાનું રાખો છો તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે. ગોળની તાસીર ગરમ હોવાથી તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. સાથે જ ગોળમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી12 અને આયર્ન જેવા પોષક તત્ત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે પણ રાત્રે ગોળ ખાવાના ફાયદા વિશે નથી જાણતા તો ચાલો આજે તેના વિશે જાણીએ અને રાત્રે ગોળ ખાવાથી શરીરની કઈ કઈ સમસ્યાઓ દૂર થાય છે તે સમજીએ.
• પાચન સમસ્યાઃ પેટની કોઈ પણ સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે ગોળ સૌથી સરળ અને ફાયદાકારક ઉપાય છે. રાત્રે ગોળ ખાવાથી ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તે ભોજનનું પાચન પણ સારી રીતે કરવામાં મદદ કરે છે.
• શરદી-ઉધરસઃ જો તમને શરદી-ઉધરસ વારંવાર થતા હોય તો ગોળનો ઉપયોગ શરૂ કરી દો. ગોળની તાસીર ગરમ હોય છે. જો રાત્રે તમે ગોળ ખાવાનું રાખશો તો શરદી-ઉધરસ અને કફથી રાહત મળવા લાગશે. તમે ગોળને દૂધમાં ઉકાળીને પણ પી શકો છો.
• ત્વચાની સમસ્યાઃ ગોળ ત્વચા માટે પણ ફાયદાકારક છે. રોજ થોડો ગોળ ખાવાથી ત્વચા પરના ખીલ દૂર થઈ જાય છે અને ત્વચા ચમકવા લાગે છે કારણ કે ગોળ ત્વચાને અંદરથી સુધારવામાં મદદ કરે છે.
• હૃદયનું સ્વાસ્થ્યઃ ગોળમાં પોટેશિયમ હોય છે, જે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરે છે. હાર્ટ પેશન્ટે ખાંડને બદલે ગોળનો ઉપયોગ જ કરવો જોઈએ. તેનાથી તેમને ફાયદો થાય છે.
ગોળ ખાવાથી સ્વાસ્થ્યને લાભ જરૂર થાય છે, પરંતુ સાથે સાથે એ પણ જાણી લેવું જરૂરી છે કે ગોળ બહુ થોડી માત્રામાં ખાવો, અને જો તમને ડાયાબિટીસ કે અન્ય કોઇ બીમારી હોય તો તો તમારા જીપીને કન્સલ્ટ કર્યા પછી જ તેનું સેવન કરવું જોઇએ.