દરેક ભારતીય પરિવારના રસોડામાં જોવા મળતું લવિંગ સ્વભાવે ઠંડું, પચવામાં હલકું, તીખા અને કડવા સ્વાદના મિશ્રણયુક્ત હોય છે. તે પચ્યા પછી તીખા રસમાં પરિવર્તન પામે છે. તે કફ અને પિત્ત દોષને શાંત કરે છે. સારી ગુણવત્તાનાં લવિંગને પાણીમાં નાખતા નીચે બેસી જાય છે અને ખરાબ લવિંગ પાણી ઉપર તરે છે. લવિંગ આંખો માટે હિતકારી, પાચક રસોને વધારનાર તથા ભોજનમાં રૂચિ જગાડનાર છે. તે રક્તના રોગો, વધુ પડતી તરસ લાગવી, ઉલટી થવી, પેટમાં દુખાવો થવો કે હેડકી આવતી હોય ત્યારે મદદ કરી શકે છે.
તબીબી સલાહ અને માર્ગદર્શન હેઠળ તેનો આ પ્રમાણે ઉપયોગ કરી શકાય
• મોઢું સૂકું રહેતું હોય ત્યારે મોઢામાં ૧-૨ લવિંગ રાખીને ચૂસવાથી ફાયદો થાય છે.
• લવિંગના તેલને પાણીમાં મિશ્ર કરીને કોગળા કરવાથી મુખની દુર્ગંધ નાશ પામે છે.
• દાંતમાં દુખાવો થતો હોય ત્યારે બે જડબાં વચ્ચે લવિંગને દબાવવાથી આરામ મળે છે.
• દાંત સડી ગયો અને દુખાવો થતો હોય તો લવિંગનાં તેલનું પૂમડું મૂકવાથી દુખાવામાં રાહત મળે છે.
• ૫-૬ લવિંગને થોડા પાણીમાં ઉકાળીને મધ સાથે લેવાથી કફ બહાર નીકળવામાં મદદ મળી શકે છે.
• લવિંગની પેસ્ટ બનાવીને મધ સાથે લેવાથી ઉલટીમાં મદદ મળી શકે છે.
• શરદી થઇ હોય ત્યારે લવિંગને નાગરવેલના પાન સાથે લેવાથી આરામ મળે છે.
• લવિંગના તેલ અને કોપરેલને મિશ્ર કરીને ખીલ પર લગાવવાથી ફાયદો થઇ શકે છે.
• લવિંગ મિશ્ર કરીને ગરમ કરેલું પાણી પીવાથી ગર્ભાવસ્થામાં સવારે થતી ઉલટીમાં રાહત મળી શકે છે.
• લવિંગ અને સરસવના તેલને ભેગા કરીને લગાવવાથી સ્નાયુ કે સાંધામાં દુખાવો થતો હોય તો ફાયદો થાય છે.
• જમવામાં તેના નિયમિત ઉપયોગથી ગેસ થવો, ખોરાક ન પચવો અને પેટનાં દુખાવામાં આરામ મળે છે.
• લવિંગના નિયમિત ઉપયોગથી હાડકાં પોચા પડવા કે નબળાં હોય તો રાહત મળી શકે છે.
• તાવ આવતો હોય તો ૨-૩ લવિંગ, ૨-૩ એલચી, ૨ ચમચી વરિયાળી, ૬-૭ તુલસીનાં પાન અને ૧/૨-૧ ચમચી તજ બે ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવું. એક ગ્લાસ જેટલું પાણી બચે ત્યારે ગાળીને પીવાથી ફાયદો થાય છે.
• ગળામાં દુખાવો થતો હોય ત્યારે લવિંગને સિંધવ મીઠા સાથે ચાવીને ખાવાથી આરામ મળી શકે છે.