આપણે સહુ આગની ચેતવણીનો સંકેત આપતા સ્મોક એલાર્મની કામગીરીથી પરિચિત છીએ. આગનો અણસાર મળતાં જ જે રીતે સ્મોક એલાર્મ વાગવા લાગે છે, એ જ રીતે થાકી જવાથી આપણું શરીર પણ અનેક પ્રકારના સંકેત આપે છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે, મોટાભાગના લોકો આ સંકેતો તરફ જલ્દી ધ્યાન આપતા નથી. લોકોને આવા સંકેત નજરઅંદાજ કરવાની જાણે કે ટેવ પડી ગઈ છે. નિષ્ણાતો કહે છે કે, જ્યારે થાક લાંબા સમય સુધી રહે છે તો તે શરીર પર ભારે પડવા લાગે છે. તેની અસર આપણા વ્યવહાર, ભાવનાઓ અને શારીરિક ક્રિયાઓ પર પણ થવા લાગે છે. આથી આપણે શારીરિક અને ભાવનાત્મક રીતે કેવું અનુભવી રહ્યા છીએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
• વારંવાર એક જ વિચાર
જો થાકી ગયા છો અને બ્રેક લીધો નથી તો વધુ ઉદાસી અનુભવશો. એંગ્ઝાયટી વધી જશે. ન્યૂ યોર્કની હડસન વેલીમાં તબીબ ડો. ગેરદા મેસલ કહે છે, આ સ્થિતિમાં મગજમાં એક જ વિચાર વારંવાર આવે છે અથવા તો કોઇ એક જ મુદ્દા પર પીન ચોંટી જાય છે. ક્યારેક વસ્તુઓ ભૂલી જઈએ છીએ, તો ક્યારેક નામ યાદ આવતા નથી.
• ચીડિયા બની જવું
શારીરિક થાકમાં તમે વધુ ચીડિયા બની જાઓ છો. પરિજનો અને સહયોગીઓ પર ઝડપથી ગુસ્સો આવી જાય છે. નિષ્ણાતો કહે છે કે, જો તમને એમ લાગે છે કે તમે થોડા વધુ એકલા રહેવા માગો છો અથવા તો મનમાં એવી ભાવના આવે કે કોઈ તમને ડિસ્ટર્બ ન કરે તો આ થાકને કારણે સર્જાયેલો મેન્ટલ સ્ટ્રેસ હોઈ શકે છે.
• ઋતુજન્ય બીમારી વધુ વળગે
શારીરિક થાક તણાવ વધારે છે અને તણાવનું વધુ પ્રમાણ શરીરની તમામ પ્રણાલીને અસર કરે છે. તે ઈમ્યુન સિસ્ટમને નબળી પાડે છે, જેના લીધે ઋતુજન્ય બીમારીઓ જેમ કે શરદી-ખાંસી થવાની આશંકા વધુ રહે છે. આ ઉપરાંત, પેટ ખરાબ થવું, અપચો કે કબજિયાતની સમસ્યા રહે છે. ભૂખને અસર થતાં વજન ઘટી કે વધી શકે છે.