હેલ્થ ટિપ્સઃ લિવરને તંદુરસ્ત રાખતી કિસમિસ

Saturday 10th July 2021 04:37 EDT
 
 

સૂકા મેવામાં ઘણાં લોકોને બદામ ભાવતી હોય છે તો ઘણાંને કાજુ પ્રિય હોય, વળી ઘણાં અખરોટ ખાવાનું પસંદ કરતા હોય પણ કિસમિસ એવો સૂકો મેવો છે કે જે નાના હોય કે મોટા લગભગ દરેકને કિસમિસ ભાવતી જ હોય છે. તેનો ખાાટોમીઠો સ્વાદ બધાને પસંદ હોય છે. કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ ગુણકારી પણ છે. તે સૂકી ખાવામાં જેટલી ગુણિયલ છે તેટલી જ તેને પાણીમાં પલાળીને તેનું પાણી પીવું લાભદાયી છે. હાર્ટ, કિડની, લિવર, પેટની ગરમી વગેરે ઘણી તકલીફમાં કિસમિસ અકસીર છે. તો ચાલો જાણી લઇએ તેના લાભ વિશે.
• લિવરને હેલ્ધી રાખવા માટેઃ કિસમિસને રાત્રે પલાળીને સવારે તેનું પાણી પીવાથી લિવર સાફ રહે છે. લિવરનો કચરો દૂર થાય છે, કારણ કે તેની અંદર ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, તેથી તેના સેવનથી શરીરમાં રહેલા ટોક્સિન મતલબ કે શરીરનો કચરો દૂર થાય છે. શરીરના ટોક્સિન દૂર થવાથી શરીરની અંદર રહેલાં અંગો સાફ થાય છે અને તે વધારે કાર્યરત બને છે. લિવરનું પણ એવું જ છે. લિવરનો કચરો દૂર થવાથી તે હેલ્ધી બનશે. 

• રેડ બ્લડ સેલ્સ માટે લાભદાયીઃ જો તમે રોજ કિસમિસના પાણીનું સેવન કરશો તો તેનાથી રેડ બ્લડ સેલ્સ પણ હેલ્ધી રહે છે. તેની અંદર રહેલું આયર્ન અને કોપર રેડ બ્લડ સેલ્સને હેલ્ધી રાખવાની સાથે નવા રેડ બ્લડ સેલ્સ ડેવલપ કરવાનું કામ પણ કરે છે. તેનાથી એનિમિયા પણ દૂર
થાય છે.
• હાર્ટને રાખે તંદુરસ્તઃ કિસમિસના સેવનથી અને તેનું પાણી પીવાથી શરીરમાં ફરતાં લોહીનું પરિભ્રમણ વધારે સ્વસ્થ બને છે. તેનાથી લોહીની નળીઓમાં જમા થતો કોલેસ્ટેરોલ પણ દૂર થાય છે અને રોજિંદા જીવનમાં તેનું સેવન કરવાથી લોહીની નળીઓમાં કોલેસ્ટેરોલ જમા જ નથી થતો. આ કારણે હાર્ટ તો સ્વસ્થ રહે જ છે સાથે સાથે સ્ટ્રોક, હાઇ બી.પી અને હાર્ટ એટેક જેવી તકલીફથી પણ તમે બચી શકો છો.
• એસિડિટી માટે ગુણકારીઃ પેટની ગરમી હોય, પેટમાં એસિડનું લેવલ વધી જવાને કારણે પેટમાં બળતરાની તકલીફ હોય, અવારનવાર કંઈ પણ ખાવાથી કે ટેન્શન લેવાથી પેટની અંદર એસિડનું પ્રમાણ વધી જતાં એસિડિટી થતી હોય તેમજ ખોરાકનું પાચન ન થતું હોય ત્યારે કિસમિસને પાણીમાં પલાળીને તેનું સેવન કરવાથી આ તમામ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોવાને કારણે આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
• એનર્જી વધારનારઃ કિસમિસના સેવનથી શરીરને ઊર્જા મળી રહે છે, તેથી તેનું સેવન કરવાથી શરીર સ્ફૂર્તિદાયક બની જાય છે. ખાસ કરીને જ્યારે ડાયટ કરતાં હોવ ત્યારે ચોક્કસ તેનું સેવન કરવું જોઇએ, તેનાથી ભૂખ સંતોષાય છે અને વજન પણ નથી વધતું.
કિસમિસનું પાણી હંમેશાં સવારે જ પીવું જોઇએ. પણ આ પાણી કઇ રીતે તૈયાર કરશો?રાત્રે એક વાટકા પાણીમાં ૫૦ ગ્રામ જેટલી કિસમિસ પલાળીને સવારે તે પાણી પી જવું. તમે ચાહો તો તેની અંદરની કિસમિસ પણ ખાઇ શકો છો. ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter