હેલ્થ ટિપ્સઃ લોઅર બેક - શરીરના આધારને આ 3 કસરત મજબૂત રાખશે

Sunday 17th April 2022 06:11 EDT
 
 

આપણી કમર સમગ્ર શરીરનો સેન્ટર પોઈન્ટ છે. આપણી કરોડરજ્જુને શરીરના વજન સાથે ગતિશીલ રહેવાની સાથે જ વિવિધ દિશામાં વાંકા વળવું પડે છે અને સ્થિતિસ્થાપક થવું પડે છે. કોર મશલ્સ કરોડરજ્જુને મજબૂતી પૂરી પાડે છે. જેમાં પેટની સાથે જ પીઠમાં જોવા મળતી માંસપેશીઓ, હિપ્સ, ક્વાડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ ભેગા મળીને તેને મજબૂત બનાવે છે. અમેરિકાના ન્યૂરોસર્જન અને કરોડરજ્જુ નિષ્ણાત ડો. શોન બાર્બર કહે છે કે, જો આ માંસપેશીઓને મજબૂત રાખવામાં આવે તો આપણો લોઅર બેક હંમેશા મજબૂત રહે છે. એક્ટિવિટી સાથે કરોડરજજૂને મજબૂત કરતી કસરત વધુ લાભદાયી સાબિત થાય છે. તો આવો આજે જાણીએ આવા જ કેટલાક ઉપાય વિશે.
1) બોડી મૂવમેન્ટઃ 25થી વધુ અભ્યાસોના વિશ્લેષણમાં જોવા મળ્યું છે કે, કરોડરજ્જૂને મજબૂત બનાવવાની સરળ રીત મૂવમેન્ટને આખો દિવસ કરતા રહેવું છે. એટલે કે, સિટિંગ જોબ દરમિયાન પણ નાની-નાની વોક લેતાં રહેવું જોઈએ. રજાના દિવસોમાં લાંબી વોક કરો. આ ગતિવિધિ હાડકાંને મજબૂત બનાવવાની સાથે કરોડરજ્જુની કાર્ટિલેજને પણ સુરક્ષિત રાખે છે. ઉંમરની સાથે થતું ઘર્ષણ ઘટાડે છે.
2) પ્લેન્ક એક્સરસાઈઝઃ ટ્રાન્સવર્સ એબ્ડોમિન નાજૂક ચાદરની જેમ ઊંડે જોવા મળતી માંસપેશી છે, જે આપણા શરીરના વચ્ચેના ભાગને મજબૂત બનાવે છે. આવી જ મલ્ટીફિડ્સ માંસપેશી પણ છે, જે કરોડરજ્જૂના હાડકાંને સીધું રાખે છે. જેમાં અનેક એક્સટેન્શન હોય છે, જે પ્રત્યેક વર્ટેબ્રા (કરોડરજ્જૂનાં હાડકાં) સાથે સાઈકલની ચેનની જેમ વિંટળાયેલી હોય છે. ન્યૂ જર્સી સેન્ટર ઓફ ફિઝિકલ થેરપીના ફેમી બેટિકુના કહેવા પ્રમાણે પ્લેન્ક એક્સરસાઈઝ આ માંસપેશીઓને સક્રિય કરે છે.
3) પિલેટ્સઃ શરીરમાં માંસપેશીઓનું કો-ઓર્ડિનેશન અને સ્પાઈન કન્ટ્રોલ પણ જરૂરી છે. બર્લિનની હમ્બોલ્ટ યુનિવર્સિટીનાં નિષ્ણાંત મારિયા મોરેનો કેટલાના અનુસાર, માંસપેશીઓનું કો-ઓર્ડિનેશન જો યોગ્ય ન હોય તો એથ્લીટને પણ બેકપેઈન થાય છે. જેના માટે પિલેટ્સ એક્સરસાઈઝ ખૂબ જ ફાયદાકારક છે. જે કોર મસલ્સને મજબૂત કરે છે. માંસપેશીઓને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ વધારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter