ફણગાવેલા મગને ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે. તેના સેવન થકી તમારા શરીરને ઘણા બધા પોષક તત્ત્વ મળી રહે છે. ફણગાવેલા મગમાંથી પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મિનરલ, એન્ટિઓક્સિડેન્ટ, કોપર, કેલરી, વિટામિન એ – બી - બી2 - બી5 - બી6 – સી - ઇ મળી રહે છે. તેમાં ચરબીની માત્રા ખૂબ સાધારણ હોય છે. તેથી ફણગાવેલા મગને તમારા આહારમાં જરૂરથી સામેલ કરો. તમારા આરોગ્યને તે ખૂબ લાભ પહોંચાડશે. નાસ્તામાં રોજ એક વાટકી ફણગાવેલા મગ ખાવા જોઇએ. આમ કરવાથી તમને પોષક તત્ત્વ મળી રહે છે. તેને આરોગવાથી પેટ ઝડપથી ભરાઇ જતું હોવાથી ભૂખનો અહેસાસ નથી થતો. કાંઇ બીજું ખાવાની ઇચ્છા થતી નથી. ફણગાવેલા મગ આરોગવાથી તમારા શરીરને ભરચક પોષક તત્ત્વો મળી જાય છે. ફણગાવેલા મગમાં ખૂબ માત્રામાં ફાઇબર હોય છે. તેથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. અને આમ તે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. પેટસંબંધી દર્દો પણ નથી થતા અને કબજિયાત પણ રહેતી નથી. ફણગાવેલા મગમાં વિટામિન-એ હોવાથી આંખની રોશની વધારવામાં મદદ મળે છે. રતાંધળાપણાને રોકે છે. સમય પહેલાં ઘડપણ રોકવામાં ફણગાવેલા મગ ઉપયોગી રહે છે. ત્વચાને ચુસ્ત કરે છે. ફણગાવેલા મગમાં વિટામિન-ઇ અને સક્રિય એન્ટિઓક્સિડેન્ટ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફણગાવેલા મગનું સેવન ખૂબ જરૂરી છે. લોહીમાં શ્વેતકણ વધારે છે, તેના કારણે ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે. ફણગાવેલા મગ આરોગવાથી એસીડીટીની સમસ્યાનું પણ શમન થાય છે. તમારા શરીરના પીએચ લેવલને નિયમિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આથી બ્રેકફાસ્ટ કે લંચમાં ફણગાવેલા મગ અવશ્ય સામેલ કરો.