હેલ્થ ટિપ્સઃ વધતી વયે પણ દિમાગને તરોતાજા રાખતા ૮ ઉપાય

Sunday 08th August 2021 08:07 EDT
 
 

ઉંમર વધવાની સાથે દિમાગમાં અનેક પરિવર્તનો આવે છે. પરિણામે વૃદ્વોને નબળા વિઝનથી લઇને શ્રવણશક્તિ મંદ પડવા સુધીની સમસ્યાઓ વળગે છે. ઉંમર વધવા સાથે શારીરિક ગતિવિધીઓ ધીમી પડે છે. બ્રેઇન સ્કેન ટેકનિકથી ખ્યાલ આવે છે કે વૃદ્વાવસ્થામાં મસ્તિષ્ક સંકોચાય છે. આ સંકોચન મેન્ટલ પ્રોસેસિંગ નબળું પાડે છે. ઉંમર વધવા સાથે આવતી દિમાગી સમસ્યાઓને સરળ એન્ટિ એજિંગ મસ્તિક વ્યાયામ થકી એટલે કે વૃદ્વાવસ્થાને અનુકૂળ બ્રેઇન સ્ટ્રેચિંગ માટેની કસરતો અને રમતો થકી અટકાવી શકાય છે.
• સંગીતઃ સંગીત મનોદશાને પ્રભાવિત કરે છે અને ખુશી કે ઉદાસીને પ્રેરિત કરી શકે છે. મનપસંદ જૂના ગીતો સાંભળો. એનાથી મનને શાંતિ અને મનોરંજન મળશે. વૃદ્વાવસ્થામાં સંગીત બ્રેઇન સ્ટ્રેચિંગમાં લાભદાયક સાબિત થઇ શકે છે.
• રસોઇકળાઃ રસોઇ કરવાની પ્રક્રિયા બ્રેઇન સ્ટ્રેચિંગને ઉત્તેજીત કરી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે રસોઇ કરવી એ થેરપી સમાન જ છે, જેનાથી સારું લાગે છે. જો આ પ્રવૃત્તિ ગમતી હોય તો મસ્તિષ્કને કાર્યરત રાખવા માટે એ પણ કરી શકો છો.
• શોખઃ તમારા શોખ - પસંદગી બ્રેઇન સ્ટ્રેચિંગને સક્રિય કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. તેમને માનસિક સતર્ક રાખવામાં મદદ કરે છે. શોખમાં ઘર સજાવટ, ફોટોગ્રાફી કરવી કે બાગકામ કરવું જેવા કાર્યો સામેલ છે. આથી વૃદ્વાવસ્થામાં બ્રેઇન સ્ટ્રેચિંગમાં તમારી પસંદગીનું કોઇ પણ કામ હોઇ શકે છે.
• પેઇન્ટિંગઃ જો તમને પેઇન્ટિંગમાં રસ હોય તો એ તમારી રચનાત્મકતાને વધારવા અને બ્રેઇન સ્ટ્રેચિંગ સક્રિય કરવાનો એકદમ આસાન ઉપાય છે. વડીલો વોટર કલર કે એક્રેલિક પેઇન્ટ્સની આ પ્રવૃત્તિ કરી શકે છે. પેઇન્ટિંગને પણ થેરપી ગણવામાં આવે છે.
• પ્રાણી પાળવુંઃ પાલતું પ્રાણી તણાવ ઓછો કરવામાં ઘણી મદદ કરી શકે છે. તેમજ એકલતા અનુભવતા વડીલો માટે આરામ અને ખુશીનું કારણ બની શકે છે. એ બલ્ડપ્રેશર ઓછું કરવા કે હૃદયની સ્થિતિ સુધારવામાં પણ મદદરૂપ થઇ શકે છે.
• વાંચનઃ વાંચનથી મસ્તિષ્કની કાર્યક્ષમતા અને કનેક્ટિવિટીમાં સુધારો થાય છે. પુસ્તક વાંચવુ દિમાગ માટે એક પ્રકારે શ્રેષ્ઠ કસરત છે. સારા પુસ્તકોનું વાંચન માનસિક શાંતિ અર્પે છે. જો કોઇ વડીલ વાંચવા સક્ષમ ન હોય તો પરિવારના સભ્ય એમને ગમતું પુસ્તક થોડી મિનિટ માટે વાંચીને સંભળાવી શકો છો.
• રમતોઃ કાર્ડ ગેમ્સ કે અન્ય બેઠાડું રમતો કે હળવી શારીરિક મહેનત માગી લેતી રમતો પણ શરીર અને મગજ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. માનસિક કસરત કરાવતી રમતો દિમાગને મહેનત કરવા માટે મજબૂર કરે છે.
• લેખનઃ વડીલો વૃદ્વાવસ્થામાં બ્રેઇન સ્ટ્રેચિંગ માટેના વ્યાયામ તરીકે લેખનપ્રવૃત્તિ પણ કરી શકે છે. લેખન વિચારો, સ્મૃતિઓ અને સમજણ વધારે છે. કવિતા કે ડાયરી કોઇ પણ પ્રકારનું લેખન મસ્તિષ્ક વ્યાયામ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter