હેલ્થ ટિપ્સઃ વધતી વયે ફ્રેક્ચરથી બચવા આટલી કાળજી અવશ્ય લો...

Saturday 13th May 2023 10:22 EDT
 
 

વયના વધવા સાથે અનેક નાનીમોટી શારીરિક આધિ-વ્યાધિ આવતી રહે છે. આમાં પણ 60-65ની વય પછી હાડકાં નબળાં પડી જવાની સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. હાડકાં નબળાં - પોલાં પડી જવાથી બને છે એવું કે કોઇ કારણસર પડ્યા કે તરત ફ્રેક્ચર થઇ જાય છે. તમે કેટલીક સાવચેતી રાખીને આ સ્થિતિ નિવારી શકો છો. જેમ કે,
• સમયાંતરે ચેક-અપઃ પડી જવાને અને સમયાંતરે સ્વાસ્થ્ય-તપાસને શું સંબંધ એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે કોઇને પણ થાય. વાત એમ છે કે મોટા ભાગના લોકો સંતુલન જાળવી ન શકવાથી પડી જાય છે. તે ઉપરાંત, આંખો નબળી પડવી અથવા સાંભળવાની સમસ્યા, સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ અથવા દવાઓની આડઅસર પણ કારણભૂત હોય છે. નિયમિત ચેક-અપ કરાવવામાં આવે તો આ બધી સમસ્યાઓનો આગોતરો ખ્યાલ રહે છે.
• સલામતીના સાધનોની વ્યવસ્થાઃ ઘરમાં લપસી જવાય તેવી જગ્યા, અંધારું કે ઓછો પ્રકાશ રહેતો હોય, પગથિયાં - બાથરૂમ વગેરે જગ્યાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને બાથરૂમમાં ફર્શ ભીની હોવાથી પડી જવાનો ભય અને શક્યતા વધારે હોય છે. આ માટે વિશેષ કાળજી રાખવી જોઇએ. તમે બાથરૂમમાં એન્ટી સ્કીડ મેટ લગાવી શકો છો. આ ઉપરાંત ટોઇલેટ સીટ વ્યસ્થિત રાખો. અંધકાર કે ઓછા પ્રકાશની સમસ્યાથી બચવા સેન્સર-આધારિત લાઇટ્સ વગેરે ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત, પગમાં ફસાય કે લપસી પડાય તેવી તેવી વસ્તુઓનો ઘરમાં કે બાથરૂમમાં ઉપયોગ કરવાનું ટાળો.
• જીવનશૈલીમાં પરિવર્તનઃ સારી રીતે હરીફરી શકાય તે માટે લાકડી અથવા વોકરનો ઉપયોગ કરો. આવા સાધનના ઉપયોગમાં શરમ-સંકોચ રાખવાની જરૂર નથી. પડી જઇને ફ્રેક્ચરનો ભોગ બનવા કરતાં હિતાવહ છે કે આગોતરી સાવચેતી રખો. બને ત્યાં સુધી લિસ્સી સપાટી પર ચાલવાનું ટાળવું. ખાસ કરીને જ્યારે બહાર જઇએ ત્યારે મોલ, મલ્ટિપ્લેક્સ વગેરે જગ્યાએ ટાઇલ્સ એકદમ લિસ્સા હોય છે. સ્નાન કરતી વખતે સંતુલન જળવાય એ માટે સ્કૂલ પર બેસીને સ્નાન કરવું સલાહભર્યું છે. બૂટ-ચંપલ પણ માપના અને એન્ટી-સ્કીડ સોલ ધરાવતું હોય તેવા જ લેવા. વયના વધવા સાથે ધીરેથી ઊભા થવાનું અને બેસવાનું મહત્ત્વનું છે.

આટલી સાવચેતી પછી પણ પડી ગયા તો શું કરવું?

અહીં દર્શાવેલા સૂચનોને ધ્યાનમાં લીધા પછી કે પૂરતી કાળજી લેવા છતાં પડી જાવ એવું બની શકે છે. આથી જો પડી જાવ અને ભાનમાં હો તો તાત્કાલિક હલનચલન ન કરવું. ક્યાં વાગ્યું છે તે બરાબર ચકાસો. તમારા હાથ, પગ, કમરને ધીમે ધીમે હલાવો અથવા શરીરના ક્યા ક્યા ભાગમં દુખાવો થાય છે તે ચકાસો. આસપાસમાં કોઇ હાજર હોય તો તરત બોલાવો. થોડી વાર બેસી રહો, જો પાણી હાથવગું હોય તો થોડું પીઓ અને સહેજ આરામ કરીને પછી જ ઊભા થાવ. જો જરાક પણ એવું લાગે કે હાડકું ભાંગ્યું છે તો હલનચલન ન કરો. ઘણી વાર આંતરિક ઇજાનો તરત ખ્યાલ આવતો નથી, જે બાદમાં પરેશાન કરે છે. આથી તાત્કાલિક જીપીને કન્સલ્ટ કરીને તેમની સલાહ લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter