હેલ્થ ટિપ્સઃ વધતી વયે શરીરને સ્વસ્થ રાખવા અજમાવો આ ઉપાય

Saturday 09th April 2022 05:54 EDT
 
 

આયુષ્યની અડધી સદી મતલબ કે ૫૦ વર્ષ વટાવ્યાં પછી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના કારણે ધીરે ધીરે શરીર બીમારીઓનું ઘર બનતું જાય છે. ઘડપણમાં જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવીને કસરતની સાથે ડાયેટમાં પણ થોડોક બદલાવ લાવવામાં આવે તો મોટા ભાગની બીમારીઓની બચી શકાય છે. તેમાં પણ જો આયુર્વેદિક ઉપચાર અનુસરવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થાય છે. જેમ કે,
• આમળાંઃ આમળામાં વિટામિન-સીની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાથી તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ ઉપરાંત તે કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે, પાચનતંત્ર મજબૂત બનાવે છે, ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે છે. તેમજ દમની બીમારી, શરદી, ઉધરસ, શારીરિક નબળાઇમાં રાહત આપે છે. રોજ સવારે આમળાનો રસ પીવાથી ઘણાં અંશે શરીર માટે લાભકારી રહે છે. જોકે જેમને ખટાશ ખાવાથી સોજો તેમજ કળતરની સમસ્યા રહેતી હોય તેમને આમળાનું સેવન ટાળવું સલાહભર્યું છે.
• અશ્વગંધાઃ માનસિક સ્વાસ્થ્યમાં અશ્વગંધા ઘણું લાભકારી છે. તે તણાવ અને હતાશા દૂર કરે છે તેમજ ઉંમરની સાથે સાથે નબળી પડતી યાદશક્તિમાં પણ લાભકારી છે. અલ્ઝાઇમર જેવી બીમારીઓ માટે પણ અશ્વગંધા દવાનું કામ કરે છે. અશ્વાગંધા મગજને કાર્યરત રાખવામાં ઉપયોગી છે. આ ઉપરાંત તે કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન્સ)ને પણ ઓછા કરે છે. અશ્વાગંધા ધ્યાન કેન્દ્રીત કરવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ રૂપ રહે છે.
• તુલસીઃ તુલસી એક ગુણાકારી ઔષધ છે. તુલસીના સેવનથી રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. પાચનશક્તિમાં સુધારો થાય છે. શ્વાસ સંબંધી બીમારીઓમાં પણ તે રાહત આપે છે અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
• વરિયાળીઃ વરિયાળીમાં વિટામીન-એ હોય છે જે આંખો માટે ઘણુ લાભકારી છે. આ ઉપરાંત વરિયાળી પાચનક્રિયા પણ સારી રાખે છે અને તે દમના લક્ષણો પણ દૂર કરે છે. રોજ એક ચમચી વરિયાળી ચાવવાથી અથવા પાણીમાં તેને ઉકાળીને પીવાથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.
• મેથીઃ મેથીનું પાણી હૃદય સંબંધી સમસ્યાઓમાં અને સ્નાયૂઓમાં થતાં દુઃખાવામાં રાહત આપે છે. લિવર અને કિડની સ્વસ્થ રાખે છે અને પેટ સાફ રાખે છે. રોજ રાત્રે એક મુઠ્ઠી જેટલી મેથીને એક ગ્લાસ જેટલા પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળી લો. મેથી દાણા વગરનું આ પાણી નરણા કોઠે પી જાવ.
• તલઃ હાડકાંસંબંધી દરેક પ્રકારની સમસ્યાઓમાં તલ ગુણકારી છે. તલ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોત છે. ઘડપણમાં સાંધાનાં દુખાવા અને શરીરમાં નબળાઇની સમસ્યા રહે છે. તલનું સેવન કરવાથી આ તમામ પ્રકારની સમસ્યાઓમાં રાહત મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter