જે ઉંમરલાયક વ્યક્તિઓએ જિંદગીમાં કોઈ પણ જાતની કસરત કે શ્રમ કર્યો નથી, આખો દિવસ બેસી રહ્યા છે કે સૂઈ જ રહ્યા છે તેમના હાડકાં નબળા પડી જવાનું સૌથી વધુ જોખમ હોય છે. યોગ્ય કસરતને અભાવે હાડકાંનું બંધારણ બરોબર ન થવાના કારણે પણ થોડુંક જ ચાલવાતી વ્યક્તિ પડી જાય છે. આવી વ્યક્તિઓએ શું કાળજી રાખવી જોઇએ?
• ખોરાકમાં પ્રોટીનની રોજની જરૂરત ૫૦થી ૬૦ ગ્રામ ગણાય. હાડકા અને સ્નાયુની રચના માટે પ્રોટીન જોઈએ. વેજિટેરિયન વ્યક્તિઓને પ્રોટીન અનાજ, કઠોળ, દૂધ, શીંગ, બદામ, પિસ્તા, અખરોટ અને તલમાંથી મળે. સ્વાભાવિક છે કે મોટી ઉંમરે ખોરાક ઓછો થઈ ગયો હોય એટલે તેમના શરીરમાં પ્રોટીન બહુ જ ઓછું જાય. જો શરીરના સ્નાયુને ખોરાકમાંથી પ્રોટીન ના મળે તો તે હાડકામાંથી ખેંચી લે એટલે હાડકા પોલાં અને પાતળા થઈ જાય. આ તકલીફ એટલે ઓસ્ટીઓપોરોસિસ. વ્યક્તિ થોડુંક પણ ચાલવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. હાડકાં નબળાં પડી ગયા હોવાથી ભાંગવાનું જોખમ વધી જાય.
• ખોરાકમાં કેલશ્યિમ પૂરતું લો. ખોરાકમાં કેલશ્યિમની જરૂરત ૧૦૦૦થી ૧૫૦૦ મિલિગ્રામ ગણાય. પૂરતું કેલશ્યિમ મળે તે માટે ખોરાકમાં દૂધ, ચીઝ, બદામ, બ્રોકોલી કોબી, મગફળી, ભીંડા, બટાકા, શક્કરીયા, મઠો (યોગર્ટ) અને બધા જ પ્રકારની માછલીમાંથી મળે. શરીરમાં કેલશ્યિમ એબ્સોર્બ થાય તે માટે વિટામીન-ડી પણ લેવું જોઈએ.
• ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોએ દિનચર્યાના બધા જ કામ, સોફા કે પથારીમાં સૂતા હોય ત્યાંથી ઉભા થવામાં, ઘરમાં કે બહાર ચાલવામાં, સ્નાન કરતી વખતે, કપડા પહેરતી વખતે ખૂબ ધ્યાન રાખીને કરવા જોઈએ. આમાં જરા પણ નિષ્કાળજીથી વ્યક્તિના પડી જવાનું જોખમ વધી જાય છે.
• હિમોગ્લોબીન ઓછું (એનીમિયા) હોય ત્યારે પણ પડી જવાનું જોખમ સર્જાય છે. સામાન્ય રીતે પુરુષોમાં હિમોગ્લોબીન ૧૪થી ૧૬ ગ્રામ અને સ્ત્રીઓમાં ૧૩થી ૧૫ ગ્રામ હોવું જોઈએ. જ્યારે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય ત્યારે ઉંમરલાયક વ્યક્તિઓને ચક્કર આવવા તે સામાન્ય ફરિયાદ છે. આવા વખતે પડી જવાના ચાન્સ વધે.
• હંમેશા યાદ રાખો કે અનેક પ્રકારની દવાઓ લેવાથી પણ શરીર પર આડઅસર થતી હોય છે. શરીરના કોઈને કોઈ પ્રોબ્લેમ માટે ડોક્ટરની સલાહથી કે સલાહ વગર જાતે દવાઓ લેતી વ્યક્તિને દવાની આડઅસરને કારણે કોઈ વખત વ્યક્તિના મગજની કામગીરી પર વિપરિત અસર પડતી હોય છે આથી ક્યારેક શરીરનું સંતુલન ખોરવાય છે.
• પોતાના ઘરે કે બીજે દાદર ચઢવામાં કે ઉતરવામાં ઉતાવળ કરવાથી પડી જવાનું જોખમ હોય છે. આથી હલનચલનમાં વિશેષ કાળજી જરૂરી છે.
• જો કાને બરાબર સંભળાતું ન હોય અને આંખે બરોબર દેખાતું ન હોય ત્યારે પડી જવાની શક્યતા રહે છે. કાનની અમુક પ્રકારની તકલીફ વખતે ચક્કર આવવાથી પણ પડી જવાનું જોખમ રહે છે.
• ઘરમાં ચાલતી વખતે કોઈ વસ્તુ વચ્ચે પડી હોય જે દેખાય નહીં ત્યારે, શેતરંજી કે જાજમમાં પગ ભરાઈ જાય ત્યારે કે ઘરના આંગણામાં ચાલતી વખતે પગથિયું ઉતરવાનું હોય કે ચડવાનું હોય ત્યારે ધ્યાન રાખ્યું ના હોય ત્યારે પડી જવાનું જોખમ રહે છે.