વહેલા સૂઈને વહેલા ઊઠે તે વીર, બળ, બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. ગુજરાતીમાં આ ઉક્તિને હવે પશ્ચિમી દેશોમાંથી સમર્થન મળવા માંડયું છે. જોકે વહેલા ઊઠવું એ કંઈ ખાવાના ખેલ નથી. મીઠી નીંદર માણતાં હોઈએ ત્યારે એલાર્મ વાગે ત્યારે કોઈ ત્રાસવાદીએ હુમલો કર્યો હોય એવું ફીલ થયા વિના ન રહે. છતાં સૂર્યોદય પહેલાં ઊઠો તો તેનો મોટો લાભ પણ મળે જ છે! ઘણાં લોકોનો દિવસ તો મળસ્કે ૩ વાગ્યાની આસપાસ શરૂ થઈ જતો હોય છે, તે રાત્રે ૧૦ કે ૧૧ વાગ્યા સુધી ચાલતો હોય છે. કદાચ, તમને ઊંઘની ચિંતા થતી હશે, છતાં એક વાત નોંધી લો કે ઘણાં સફળ માણસોની ઊંઘ ઓછી જ હોય છે. અરે, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ જૂઓને! ચૂંટણીનો સમય હોય ત્યારે તો તેઓ માંડ ચારેક કલાક ઊંઘ લેતા હોય છે. ઊંઘ ઓછી થાય એટલે સ્વાભાવિક દિવસ લાંબો થઈ જાય અને જાગ્રત અવસ્થાના વધેલા કલાકોમાં તમે ઇચ્છિત કામો કરી શકો છો!
કેટલાક લોકો સવારે વહેલા ૩ વાગે ઊઠીને ધ્યાન ધરતા હોય, કેટલાક પ્રાર્થના કરતા હોય કે કસરત કરીને સજ્જ થતા હોય, તો વળી કેટલાક પરિવાર સાથે સમય વિતાવીને દિવસની શરૂઆત કરવામાં માનતાં હોય છે. કામકાજ માટેનો સમય શરૂ થાય એ પહેલાંના વહેલા ઊઠવાના કલાકો દરમિયાન ઘણાં કામો કરી લેતાં હોય છે. જોકે વહેલા ઊઠવાનું કામ પણ ભગીરથ હોય છે. સવારે વહેલા ઊઠવાની ઇચ્છા તો ઘણાં કરતાં હોય છે, પરંતુ ઊઠી શકાતું નથી. સવારે વહેલાં બેડ છોડવાનું ભલે અઘરું લાગતું હોય, પણ આ કામ કર્યા જેવું તો છે જ...
• એલાર્મ ઘડિયાળને તમારી પાસે રાખશો તો તરત જ તેને સ્નૂઝ કરીને તમે સૂઈ જશો. આના બદલે તેને થોડે દૂર રાખો જેથી તમારે ઊઠીને તેને બંધ કરવી પડે, અને આમ તમારી ઊંઘ ઉડી જશે.
• અંધારું હોય ત્યારે કોઇ પણ ઊઠવાની વધુ આળસ આવતી હોય છે. એ કારણથી જ તમારે બારીમાંથી સૂર્યપ્રકાશ અંદર આવે એવી સ્થિતિ રાખવી, જેથી સવારે મોંસૂઝણું થાય ત્યારે તમે જાગી જ જાવ.
• પથારીનો ઉપયોગ ફક્ત રાત્રે સૂવા માટે જ કરો. દિવસ દરમિયાન વાંચવા-લખવા જેવાં કામો તેના ઉપર કરવાનું ટાળો, જેથી દિવસ દરમિયાન તમને ઊંઘવાની ઇચ્છા જ ન થાય.
• રાત્રે સૂતાં પહેલાં સ્નાન ન કરો. આ જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ રાત્રે સૂતાં પહેલાં નહાવાથી શરીર પર અવળી અસર પડે છે. તમે ફ્રેશ થવાને કારણે જલદી સૂઈ શકતાં નથી.
• વિચારવાનું ટાળો, બીજા દિવસનાં કામની યાદી બનાવી દો. ઘણાં લોકો રાત્રે સૂતી વખતે તે દિવસનાં કામ કે બીજા દિવસે કરવાનાં કામ અંગે સતત વિચારતાં હોય છે. જોકે તેને કારણે ઊંઘ ઊડી જતી હોય છે, જેથી કામ ન બગડે અને ઊંઘ આવી જાય.
• તમે સવારે ઊઠો તેની પાંચેક મિનિટ પહેલાં કોફી તૈયાર થવા માંડે એવી તૈયારી કરી રાખો, જેથી સવારે કોફીની ખુશ્બો સાથે તમે ઊઠતાં સ્ફૂર્તિ અનુભવો.
અને હા, ખાસ યાદ રાખો કે રાત્રે સૂતાં પહેલાં પાણીનો ગ્લાસ કે બોટલ તમારી બાજુમાં રાખો, જેથી સવારે ઊઠીને પહેલાં પાણી પી શકાય. રાત્રિ દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય સવારે પાણી પીવાથી એ લેવલ જળવાઈ રહે છે. સાથે જ તમારા શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ પણ સક્રિય થઇ જશે.