રોજબરોજના પોષણમાં વિટામિનની અગત્યતા ખૂબ જ છે. વિટામિનની ઊણપના કારણે ઘણા રોગો થઈ શકે છે. જેમ કે, અત્યારે બી-૧૨, ડી વગેરેની ઊણપ ખૂબ જ સામાન્ય જોવા મળે છે. આ વિટામિનની ઊણપને કારણે લાંબા ગાળે ખૂબ નુકસાન થઈ શકે છે. શાકાહારમાં બી-૧૨ બહુ મર્યાદિત હોય છે. એ જ પ્રમાણે બીજા કોઈ પણ વિટામિનની ઊણપ હોય ત્યારે તેને માટે વિટામિનની ગોળીઓ લેવી જરૂરી બને છે. એનો અર્થ એવો નથી કે દરેક ઉંમરે અને કોઈ પણ વ્યક્તિ વિટામિનની ગોળીઓ ચણા-મમરાની જેમ ફાકી શકે છે. વિટામિનની ગોળી ખોરાકનો પર્યાય બની શકતી નથી. જેમ કે, સંતરામાં વિટામિન ‘સી’ની સાથે સાથે બીટા-કેરોટીન, કેલ્શિયમ ઉપરાંત બીજાં પોષકતત્ત્વો પણ મળે છે એ બહુ ઓછા લોકો જાણે છે. વિટામિન કે અન્ય પોષક તત્વોની ગોળી કોના માટે જરૂરી છે?
• ગર્ભવતી સ્ત્રીઓને ૪૦૦ માઇક્રોગ્રામ ફોલિક એસિડ ખોરાકની સાથે લેવું પડે છે. • ગર્ભવતી સ્ત્રીઓએ આયર્ન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવી. • ૫૦ વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ મલ્ટિ વિટામિન અથવા વિટામિન બી-૧૨ની ગોળીઓ લઈ શકે છે. • વધુ માસિકસ્રાવ થતો હોય તો આયર્નની ગોળી જરૂરી છે. • ૪૦ વર્ષ પછી એકસ્ટ્રા કેલ્શિયમ લેવું જરૂરી છે.
રોજિંદા ભોજનમાં વિટામિનનો
ઉપયોગ કેવી રીતે વધારશો?
• દિવસ દરમિયાન પાંચ જાતનાં ફ્રૂટ અને શાકભાજી ખાવ, જેથી જરૂરી વિટામિન અને મિનરલ્સ આપોઆપ મળી જશે.
• ખોરાકને ગરમ કરવાનું ટાળો. શાકભાજી તાજા જ રાંધીને ખાવ. શાકભાજીને બાફવા કરતાં સ્ટીમ કરીને કે બેક કરીને ખાવા વધુ હિતાવહ છે.
• શાકભાજીને પલાળીને રાખવાથી વિટામિનનો નાશ થાય છે.
• સંતરા-મોસંબીના જ્યૂસને બદલે તે છોલીને ખાવ. આથી વિટામિન સાથે ફાઇબર્સ પણ મળશે.
• હાંડવો-ચા, ઢોકળા-ચા વગેરે લેવાથી ખોરાકમાંનાં વિટામિન શરીર એબ્સોર્બ કરતું નથી. હંમેશા દૂધ સાથે નાસ્તો કરો. તેમાં રહેલા વિટામિન શરીર એબ્સોર્બ કરશે.