વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વડીલોની એક્ટિવિટી ઓછી થતી જાય છે. એટલું જ નહીં, પણ રોજેરોજ કસરત કરવી એ પણ એક ટાસ્ક જેવું લાગે છે. આ સંજોગોમાં જો હલનચલન ઘટી જવાનું જોખમ વધી જતું હોય છે. અને આવા સંજોગોમાં વડીલો અનેક બીમારીઓનો ભોગ બની શકે છે. આ કારણોસર જ તબીબી નિષ્ણાંતો સૂચવે છે કે વડીલોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે શરીરને વધારે કષ્ટ આપે તેવી ભારેખમ કસરતો કરવાના બદલે રોજિંદા જીવનમાં સરળ રૂટીન વોક અપનાવશે તો પણ તે ખૂબ લાભકારક સાબિત થશે. નિયમિત ચાલવાથી શું લાભ થાય તે આપણે જોઇએ...
• હૃદય બને છે સ્વસ્થઃ વર્તમાનમાં હાર્ટ એટેક મૃત્યુનું કોમન કારણ બની ગયું છે. ૪૦ પછી મોટા ભાગના લોકો હૃદય સંબંધિતઓનો ભોગ બને છે, પણ જો તમે રોજ ૩૦ મિનિટ વોક કરશો તો તમારું બ્લડ પ્રેશર લેવલ કંટ્રોલમાં રહેશે અને હૃદય સંબંધિત ઘણી બીમારીઓથી પણ બચી શકો છો.
• સાંધાના દુખાવામાં રાહતઃ વડીલોમાં સાંધાના દુખાવાથી સમસ્યા વધારે જોવા મળે છે. જો તમને પણ સાંધામાં દુખાવો અથવા આર્થરાઇટિસના કારણે દુખાવો રહેતો હોય તો તમારા માટે ચાલવાની ક્રિયા ઘણી લાભકારી છે. ચાલવાથી તમને સાંધાના દુખાવામાં રાહત તો મળશે જ પણ સાથે સાથે આર્થરાઇટિસ જેવી બીમારીમાં પણ કેટલાક અંશે રાહત મળે છે.
• સ્નાયુઓ બને મજબૂતઃ ઉંમર વધવાની સાથે સાથે સ્નાયુઓ નબળા પડતા જાય છે અને તેની અસર રોજની એક્ટિવીટી પર પણ પડે છે. આ સમસ્યાના નિવારણરૂપે રોજ વોક કરવાથી શરીરના સ્નાયુઓ કાર્યશીલ રહે છે અને વધુ મજબૂત બને છે. આ ઉપરાંત હાડકાં પણ મજબૂત બનાવે છે.
• ડાયાબિટીસમાં રાહતઃ ડાયાબિટીસની તકલીફ ઘણા વડીલોમાં જોવા મળી રહે છે. જો તે નિયંત્રણમાં ન રહ્યું તો તે તમારા ઘડપણને વધારે મુશ્કેલ બનાવી દે છે. આ સમસ્યાના નિવારણરૂપે જમ્યા પછી રોજ ૧૫-૩૦ મિનિટ સુધી ચોક્કસ વોક કરો. તેનાથી તમારું બ્લ્ડ શૂગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
• ઇમ્યુનિટી પાવરમાં વધારોઃ સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે શરીર નબળું પડતું જાય છે અને થાક પણ જલ્દી લાગી જાય છે. આ સમયે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે જલ્દી બીમાર પડાય છે. જો તમે રોજ વોક કરવાની આદત પાડશો તો તમે તમારા અનર્જી લેવલને વધારીને ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોન્ગ બનાવી શકો છો.