હેલ્થ ટિપ્સઃ શંખપુષ્પીઃ યાદશક્તિ વધારતું ઔષધ

Saturday 24th July 2021 07:37 EDT
 
 

આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ-ઔષધિઓને ‘મેધ્ય’ કહેવામાં આવી છે. (મેધ્ય એટલે બુદ્ધિ અને સ્મરણશક્તિને વધારનાર) આ મેધ્ય ઔષધિઓમાં બ્રાહ્મી, શંખાવળી, વચા વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ‘શંખાવળી’ના ગુણકર્મો અને ઉપયોગો અંગે આયુર્વેદની દૃષ્ટિએ થોડીક જાણકારી મેળવીએ.
શંખાવળીને આયુર્વેદમાં શંખપુષ્પી કહે છે અને હવે તો આ નામ જ વધારે પ્રચલિત છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશની પથરાળ જમીનમાં શંખપુષ્પીના આશરે દોઢથી બે ફૂટ ઊંચા છોડ જોવામાં આવે છે. તેનાં ફૂલોના રંગ પરથી તેના ત્રણ પ્રકાર છે - સફેદ, લીલો અને ભૂરો.
આયુર્વેદ પ્રમાણે જોઈએ તો બધા જ પ્રકારની શંખપુષ્પી સ્વાદમાં કડવી, તૂરી તથા તીખી, શીતળ, આહાર પચાવનાર, મળને સરકાવનાર, રસાયન, કામશક્તિવર્ધક, પિત્તનાશક, મંગળકારી, બુદ્ધિ અને સ્મૃતિવર્ધક (મેધ્ય), બળ અને આયુષ્ય આપનાર તથા કાંતિ અને સ્વરને સુધારનાર છે. તે અપસ્માર-વાઈ, ગાંડપણ, અનિદ્રા, ભ્રમ, કૃમિ વગેરેનો નાશ કરનાર છે.
મર્હિષ ચરકે શંખપુષ્પી વિશે લખ્યું છે કે, બુદ્ધિ અને યાદશક્તિને વધારનાર ઔષધોમાં શંખપુષ્પી મુખ્ય ઔષધ છે. જેમને યાદશક્તિની નબળાઈ જણાતી હોય અથવા નાનાં બાળકોની સ્મરણશક્તિ કે અભ્યાસમાં એકાગ્રતા ઘટી ગઈ હોય તો તેમને શંખપુષ્પીનું અડધી ચમચી જેટલું ચૂર્ણ બદામ, ચારોળી મેળવેલા દૂધ સાથે રોજ રાત્રે આપવું. આ પ્રમાણે ઉપચાર કરવાથી થોડા દિવસમાં જ આ ફરિયાદોમાં ફાયદો જણાશે.
શંખપુષ્પી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે. તેના સેવનથી મસ્તિષ્કનો થાક અને આળસ દૂર થાય છે. વધારે વાંચનથી જેમની આંખોમાં પાણી નીકળવા લાગતું હોય અથવા માથામાં દુખાવો થતો હોય તેમણે પણ શંખપુષ્પીનું સેવન કરવાથી લાભ થાય છે.
શંખપુષ્પી અનિદ્રાને પણ મટાડનાર છે. શંખપુષ્પી, બ્રાહ્મી, ગંઠોડા અને જટામાંસી આ ચારે ઔષધો સરખા વજને લાવી, ખૂબ ખાંડીને, તેમનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રોજ રાત્રે એક ચમચી જેટલું આ ચૂર્ણ દૂધમાં મેળવી, દૂધને ઉકાળી, ઠંડું પડે એટલે પી જવું. થોડા દિવસ આ ઉપચાર કરવાથી અનિદ્રાની તકલીફ દૂર થાય છે.
શંખપુષ્પી મસ્તિષ્ક અને જ્ઞાનતંતુઓને બળ આપનાર છે. અપસ્માર-વાઈ, ગાંડપણ, ડિપ્રેશન વગેરે માનસિક રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. આ વિકૃતિઓમાં શંખપુષ્પીના અડધા કપ જેટલા રસમાં અડધી ચમચી કઠ-ઉપલેટનું ચૂર્ણ અને થોડું મધ મેળવીને આપવાથી ખૂબ જ લાભ થાય છે. બેથી ચાર મહિના આ પ્રમાણે ઉપચાર કરવાથી તકલીફમાં રાહત વર્તાશે.
શંખપુષ્પી વારંવાર થતી ઊલટીને મટાડનાર છે. વાયુના કારણે થતી આવી ઊલટીઓમાં અડધા કપ જેટલો શંખપુષ્પીનો રસ સહેજ મધ અને થોડું મરીનું ચૂર્ણ નાંખીને આપવો. થોડા સમયમાં જ રાહત જણાશે.
શય્યામૂત્ર એ નાનાં બાળકોની એક મોટામાં મોટી વિકૃતિ છે. શય્યામૂત્ર એટલે રાત્રે-ઊંઘમાં મૂત્રત્યાગની ક્રિયા. નાની ઉંમરનાં બાળકોમાં આ વિકૃતિને કેટલાક અંશે સામાન્ય ગણી શકાય. જોકે ઉંમર વધવાની સાથે જો આ તકલીફ ન મટે તો તેનો ઉપચાર જરૂરી બને છે. જે બાળકો આ રીતે રાત્રે પથારીમાં મૂત્રત્યાગ કરતાં હોય તેમના માટે શંખપુષ્પી ઉત્તમ ઔષધ છે. આ બાળકોને રોજ રાત્રે જમ્યા પછી પ્રવાહી પદાર્થો અધિક માત્રામાં ન આપવા. તેમજ અડધી ચમચી શંખપુષ્પીનું ચૂર્ણ એક કપ દૂધમાં મેળવીને રોજ રાત્રે આપવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter