ડુંગળી વાત, પિત્ત અને કફ એ ત્રણેય વિકારો પર ગુણકારી છે. તેના સેવનથી વાત પ્રકોપ શમે છે. પિત્ત બહાર નીકળી જવાથી ઓછું થાય છે અને કફનો નાશ થાય છે. ડુંગળીનું દરરોજ સેવન કરવાથી આંખની શક્તિ વધે છે. ડુંગળી વાયુથી ઉત્પન્ન થતાં શૂળનું શમન કરે છે. ડુંગળી ગરમ નથી. તે પાકમાં તથા રસમાં મધુર, વીર્યને વધારનારી છે. ચરક તથા સુશ્રુતે તેના ગ્રંથોમાં ડુંગળીને શક્તિ આપનાર, શરીરને પુષ્ટ બનાવનાર અને બુદ્ધિવર્ધક ગણાવી છે.
દોષઃ કેટલાક માણસો ડુંગળીના પોષક તત્વો પચાવી શક્તા નથી. તેથી ડુંગળીથી તેમને ગેસ થાય છે. આવા લોકોએ ડુંગળી પચાવવા માટે શ્રમ કરવો જોઈએ અથવા ડુંગળીનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. ડુંગળીના વધુ પડતા અને સતત સેવનથી લોહી તપવાનો અને ગડગુમડ થવાનો ભય રહે છે.
કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• ડુંગળી આમ વાયુનાશક છે, પરંતુ તેને રાંધવાથી કે શાક કરવાથી તે વાયુ કરનારી થાય છે.
• ડુંગળી અને દૂધ વિરુદ્ધ આહાર છે.
• ડુંગળીને ભરીને દર ૧૫ દિવસે તાજું અથાણું બનાવીને ખાવાથી રુચિ પેદા કરે છે. શરીરમાં અગ્નિ પ્રદીપ્ત કરે છે.
• ડુંગળી ઊંઘ સારી લાવે છે. ખોરાક હજમ કરે છે અને દસ્ત સાફ લાવે છે.
• ડુંગળી ગરમ હોવા છતાં જમ્યા પછી આંતરિક શીતળતા આપે છે.
• ડુંગળી વિષશામક હોવાથી પેટમાંના અનેક રોગના જંતુઓનો નાશ થાય છે.
• ડુંગળી શરીરની અંદર રહેલી શરદીનો નાશ કરે છે અને પેટમાંની ગરમીને શાંત કરે છે.