હેલ્થ ટિપ્સઃ શક્તિદાયક-પુષ્ટિદાયક છે શેરડી

Saturday 20th February 2021 03:10 EST
 
 

ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બને છે અને આ ગળ્યા પદાર્થોમાંથી મીઠાઈ, શરબત, ચોકલેટ, આઈસક્રીમ વગેરે જાતભાતની ખાવાપીવાની ચીજો તૈયાર થાય છે. આ સપ્તાહે આપણે જાણીએ આ જીવનજરૂરી અને શક્તિદાયક આહાર અને ઔષધ શેરડી અંગે કંઈક વિશેષ.
ભારતમાં વર્ષમાં ત્રણેય ઋતુમાં તેનું વાવેતર કરવામાં આવે છે. શેરડીની સફેદ, રાતી, કાળી, ભૂખરી વગેરે ઘણી જાત થાય છે. જેમાંથી રાતી શેરડી ખૂબ જ મીઠી હોય છે. આયુર્વેદ પ્રમાણે શેરડી મધુર, ઠંડી, રુચિકર, પચવામાં ભારે, કફ કરનાર, મૂત્રને વધારનાર, બળકર, પુષ્ટિકર તેમજ પિત્ત, બળતરા અને થાકને દૂર કરનાર છે. દાંતથી ચૂસેલી શેરડીનો રસ પિત્ત તથા રક્તના વિકારોને દૂર કરનાર, દાહશામક, કફકર્તા અને શક્તિપ્રદ છે. યંત્રથી પીલેલી શેરડીનો રસ મૂળ, ગાંઠો, આગલો ભાગ, જંતુઓ વગેરે પણ પીલાવવાથી દૂષિત થયેલો હોય છે. તે પચવામાં ભારે, મળ રોકનાર, બળતરા કરનાર હોય છે.

કાચી, અર્ધપાકી, પાકી અને વધારે પાકેલી (ઘરડી) એમ અવસ્થાના આધારે પણ શેરડીના ગુણોમાં ફરક પડે છે. કાચી શેરડી કફ, મેદ અને પ્રમેહ ઉત્પન્ન કરનાર છે. અર્ધપકવ શેરડી મધુર, થોડી તીક્ષ્ણ તેમજ વાયુ તથા પિત્તને હરનાર છે. ઘરડી શેરડી બળ-વીર્યવર્ધક તથા રક્તસ્ત્રાવ અને ક્ષય રોગને મટાડે છે.
શેરડીને ઔષધીય ઉપયોગની દૃષ્ટિએ જોઇએ તો...
શેરડી કમળામાં અકસીર છે. જેમને કમળો થયો હોય તેમણે ધીમે ધીમે ચૂસીને મીઠી હોય એવી શેરડી ખાવી. કમળામાં ફાયદો થશે. શેરડી મૂત્રલ અર્થાત્ મૂત્રનું પ્રમાણ વધારનાર છે. આથી જેમને મૂત્રની છૂટ ન રહેતી હોય તેમના માટે પણ શેરડીનો રસ ઉપયોગી છે.
થોડાક શ્રમથી પણ જેમને થાક લાગતો હોય તેમના માટે શેરડી સારી છે. શેરડીનો રસ ચૂસવાથી થાક દૂર થાય છે. હાથ-પગનાં તળિયાંની બળતરા, આંખોની બળતરા અને આખા શરીરમાં થતા દાહ-બળતરા માટે પણ શેરડી અત્યંત સારી છે.
શેરડી હંમેશાં ખાઈ શકાય તેવી પથ્ય છે. તે કંઠ અને ગળા માટે પણ હિતકર છે. શેરડીનો રસ ધાવણની વૃદ્ધિ કરનાર છે. સુવાવડી સ્ત્રીઓને જો ધાવણ ઓછું આવતું હોય તો તેમને કોપરું ખવડાવીને સાથે રુચિ અનુસાર થોડી શેરડી ચૂસવા આપવી.
શેરડી યુવાનો માટે ઉત્તમ છે. તેનાથી બળ, બુદ્ધિ અને વીર્યની વૃદ્ધિ થાય છે. શેરડીને ચૂસવાથી વીર્યનું શોધન-શુદ્ધિ પણ થાય છે. વાયુ કે પિત્તથી જેમનું વીર્ય દૂષિત થયું હોય તેમના માટે શેરડીનું સેવન હિતકારી છે.
શેરડી દરેક રીતે શ્રેષ્ઠ છે પરંતુ બજારમાં મળતો મશીન કે સંચાથી કાઢેલો તેનો રસ હિતાવહ નથી. શેરડી ઘરે લાવી, સારી રીતે ધોઈ, ચૂસીને ખાવી જોઈએ.
શેરડી મધુર, ઠંડી, ચીકણી અને પચવામાં ભારે હોવાથી ડાયાબિટીસ, ચામડીના રોગ, તાવ, શરદી, મંદાગ્નિ વગેરેમાં હિતકારી નથી. જમ્યા પહેલાં ખાવાથી શેરડી પિત્તનો નાશ કરે છે, પરંતુ જમ્યા પછી ખાવાથી તે વાયુ અને મંદાગ્નિ કરે છે. હાલ ઘરે ઘરે ઉપયોગમાં લેવાતી શેરડીના રસમાંથી બનાવવામાં આવતી રિફાઈન્ડ સુગર સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ ગળપણનો વિકલ્પ છે. ભોજનમાં રિફાઈન્ડ સુગરના બદલે દેશી ગોળ વાપરવો હિતકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter