હેલ્થ ટિપ્સઃ શરદી, ખાંસી, વાઈરલ ઈન્ફેક્શનનું ઔષધઃ મરી

Saturday 31st October 2020 05:27 EDT
 
 

આયુર્વેદમાં મરીને ‘મરીચ’ના નામે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેને ‘તીખાં’ના નામે ઓળખવામાં આવે છે. મરીનો ઔષધ સ્વરૂપે સદીઓ પહેલાંથી સ્વીકાર કરવામાં આવ્યો છે. આરબો અને યુરોપિયનો મરી-મસાલા માટે જ ભારતના બંદરો પર આવતા હતા. મરી, લવિંગ, તજ, એલચી, હિંગ, સૂંઠ વગેરે મસાલાને તેજાના તરીકે ઓળખાવાતા હતા. આ તેજાના આરબ દેશો, યુરોપના બધા જ દેશો માટે જીવનદોરી હતી. એટલે જ ત્યાંથી વહાણોના કાફલા ભારતના બંદરો પર આવતા હતા અને આખેઆખા વહાણ ભરીને તેજાના લઈ જતા હતા. એ વ્યાપાર થકી ભારત એટલું સમૃદ્ધ હતું કે તેને સોનાની ચિડીયા કહેવામાં આવતું હતું. તેજાના, મલમલનું કાપડ અને રેશમ ભારત દેશનો એવો ખજાનો હતો જે ભારોભાર સોનું-ચાંદી તાણી લાવતો હતો.
મરી-મસાલા ઔષધ સ્વરૂપે કેવાં અસરકારક છે એનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું હતું. એ જ્ઞાન ભારતીયોએ યુરોપીયનો અને આરબોને આપ્યું હતું. ઔષધ તરીકે મરીનો ચરક-સુશ્રુતના કાળથી બહોળો ઉપયોગ થતો આવ્યો છે. રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે. તો આ વખતે આયુર્વેદના આ પ્રાચીન તેમજ શરદી-ખાંસી તથા વાઈરલ ઈન્ફેક્શનનાં ઉત્તમ ઔષધ વિશે થોડું જાણીએ...
• ગુણકર્મોઃ ભારતમાં મરી ખાસ કરીને દક્ષિણ ભારતનાં જંગલોમાં થાય છે. ત્યાં તેના વેલાઓને સોપારીનાં વૃક્ષોની ઉપર ચડાવીને ઉછેરવામાં આવે છે. જે લગભગ ત્રીસ ફૂટ સુધી વધે છે. મરી કાળા અને સફેદ - એમ બે પ્રકારનાં થાય છે. મરીના અર્ધપકવ સૂકવેલા દાણાને કાળા મરી કહે છે. સંપૂર્ણ પાક્યા પછી તે સફેદ મરી બને છે. મરી એ ખૂબ ગરમ હોવાથી ઉનાળા સમયે તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે.
આયુર્વેદ પ્રમાણે કાળા મરી સ્વાદમાં તીખા અને સહેજ કડવા, ગરમ, તીક્ષ્ણ, ભૂખ લગાડનાર, રુક્ષ અને પિત્ત કરનાર છે. તે વાયુ, કફ, ઉધરસ, શ્વાસ-દમ, હૃદયરોગ તથા કૃમિનો નાશ કરનાર છે. સફેદ મરી પણ તીખા, ગરમ, રસાયન અને મળ સરકાવનાર છે. તે ત્રિદોષ, વિષ તથા નેત્રરોગનાશક છે.
મરીની છાલમાં પાઈપરિન ૫-૧૦ ટકા, પાઈપરિડિન ૫ ટકા, પાઈપરેટિન અને અવિકિન નામના ક્ષાર રહેલા છે. આ તત્ત્વોને કારણે જ મરી સ્વાદમાં તીખા અને ઉપરોક્ત ઔષધિય ગુણોયુક્ત બને છે.
• ઉપયોગોઃ આયુર્વેદના મહર્ષિ ચરકે પોતાના ગ્રંથમાં લખ્યું છે કે, મરીના ચૂર્ણમાં મધ, ઘી અને સાકર મેળવીને તેનું સેવન કરવાથી સર્વ પ્રકારની ખાંસી મટે છે. આ માટે અડધી ચમચી જેટલા કાળા મરીનું ચૂર્ણ કરી એક ચમચી મધ, અડધી ચમચી ઘી અને થોડી સાકરમાં મિક્સ કરીને સવાર-સાંજ સેવન કરવું.
સર્વ પ્રકારનાં વાઈરલ ઈન્ફેક્શન તથા દમ-શ્વાસ રોગમાં પણ આ ઉપચાર લાભદાયી છે. મરીનો એક ગુણ છે, ‘સૂક્ષ્મ’ - આ ગુણને લીધે શ્વસન માર્ગોમાં ચોંટી રહેલા કફને તે દૂર કરે છે. કફનો અવરોધ દૂર કરવાથી શ્વાસ રોગ શાંત થઈ જાય છે. ફેફસાંની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
પ્રવાહિકા એટલે મરડો. મરી એ પ્રવાહિકાનું ઉત્તમ ઔષધ છે. આયુર્વેદના મહાગ્રંથ ‘અષ્ટાંગહૃદય’માં લખ્યું છે કે, મરીના ચૂર્ણનું સેવન કરવાથી ઘણા વખત જૂનો મરડો પણ ઝડપથી મટે છે. મરડામાં ચીકણો કફ આંતરડામાં ચોંટી રહે છે. આ કફથી વાયુ (અપાનવાયુ)નો અવરોધ થવાથી પેટમાં વારંવાર ચૂંક-મરડાટ આવે છે અને કફને બહાર કાઢવાના વાયુના પ્રયત્નોને લીધે વારંવાર મળત્યાગ થયા કરે છે. આવા જૂના મરડાના ઉપચારમાં અડધી ચમચી જેટલું મરીનું સૂક્ષ્મ ચૂર્ણ દિવસમાં ત્રણ વખત લેવું. સાથે સાથે સૂંઠ નાંખેલું ગરમ પાણી થોડું થોડું પીતા રહેવું જેથી અવશ્ય લાભ થશે. આમયુક્ત ચીકણા ઝાડામાં પણ આ ઉપચારથી ફાયદો થાય છે.
ચોમાસામાં મરી, સૂંઠ અને પીપર દૂધમાં મેળવીને બનાવેલા ઉકાળો શરદી અને વાયુનો નાશ કરીને શરીરની ઉષ્માનું સંરક્ષણ કરે છે. મરી, સૂંઠ અને પીપર સરખા વજને લાવી એનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ એક ગ્લાસમાં દૂધમાં મેળવીને થોડી વાર ઉકાળીને સવાર-સાંજ પીવું. તેના સેવનથી મેલેરિયાથી બચી જવાય છે.
મરી સાથે બીજાં કેટલાંક ઔષધો પ્રયોજીને મરીચ્ચાદિ વટી અને મરીચ્ચાદિ ચૂર્ણ બનાવાય છે. બજારમાં તૈયાર મળી રહેતાં આ ઔષધો શરદી-ખાંસીમાં ઉત્તમ પરિણામ આપનારાં છે. એચવન-એનવન વાઈરસથી થતાં સ્વાઈન ફ્લૂ તેના જેવા બીજા વાઈરલ રોગો સામે લડવા, અન્ય ઔષધો સાથે મરી પણ ઉપયોગી થઈ શકે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter