શિયાળામાં શરદી, કફ, તાવ અને ગળું ખરાબ થવું સામાન્ય બાબત છે. આમાં પણ વળી અત્યારે તો કોરોનાએ કેર વર્તાવ્યો છે. વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ નબળી પડવાને લીધે શરદી, કફ, તાવ કે ગળામાં તકલીફ જેવા ફ્લુના લક્ષણો શરીરમાં દેખાય છે. આનાથી બચવા માટે ભોજનમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, હળદર, સરસવના તેલને સામેલ કરો.
• અશ્વગંધાઃ આ શરીરમાં શક્તિનો સંચાર કરે છે. તે સ્ટ્રેસ ઓછો કરવાની સાથે સાથે ઠંડીના દિવસોમાં ઇન્ફેક્શનથી પણ બચાવે છે. સારી ઊંઘ આવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે.
• આદું-લસણઃ તેનાથી રોગપ્રતિકારક શક્તિ બળવાન બનશે. અલ્સર, તાવ, એસિડિટી, શરદી-કફ દૂર થશે અને પાચન સારું થશે. લસણ બ્લડપ્રેશર કંટ્રોલ કરીને શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય કરે છે.
• કેસરનું દૂધઃ રાત્રે સૂતા પહેલાં હૂંફાળા દૂધમાં કેસર નાખીને દરરોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. દૂધમાં સૂકી દ્રાક્ષ અને બદામ સાથે ઉકાળીને પીવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે.
• તલઃ તેમાં કોપર, મેંગેનીઝ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન બી-૧, ઝિંક અને સેલિનિયમ હોય છે. તલ ન્યૂમોનિયા, બ્રોન્કાઇટિસ અને અસ્થમા સામે રક્ષણ આપશે. શિયાળામાં તલનું સેવન કરવાથી લાભ થશે.
• હળદરઃ ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી શરીરમાં આવેલો સોજો ઓછો થશે. તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાઇરલ અને એન્ટિ-ફંગલ એજન્ટસ રોગપ્રતિકારકતા વધારે છે. આથી હળદરવાળું દૂધ ખાસ પીવું જોઈએ.
• તુલસીઃ તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ઝિંક, આર્યન, એન્ટિ-સેપ્ટિક, એન્ટિ-મેલેરિયલ એજન્ટ્સ હોય છે. તે કફ, શરદી, સાઈનાઇટિસ, ન્યુમોનિયા અને બીજા રેસ્પિરેટરી ડિસોર્ડરથી બચાવશે.
• ઘીઃ વધારે પ્રમાણમાં ઘી ખાવું નુકસાનકારક હોય છે, પણ પ્રમાણસર ખાવાથી તાકાત મળે છે. તેમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ બીમારીથી બચાવે છે.
• આંબળાઃ તે વિટામિન-સીનો બહુ મોટો સ્રોત છે. પાચન, ત્વચા તથા વાળ માટે આંબળા ખૂબ જ ફાયદાકારક છે. એસિડિટી, બ્લડશુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
આ આયુર્વેદિક ટિપ્સ પણ અજમાવો
રોજના અમુક ટીપાં એપલ સાઇડર વિનેગર લો. તે શરીરને ડિટોક્સ કરીને લોહીને શુદ્ધ કરશે. તે સુંદરતા અને તંદુરસ્તી એમ બંને માટે સારું છે. તુલસીની ચા એન્ટિ-ઓક્સિડન્ટની જેમ કામ કરશે. એમાં રહેલાં ન્યુટ્રિયન્ટ વાયરસ સામે લડીને રોગપ્રતિકારક ક્ષમતા વધારે મજબૂત બનાવશે. તે તણાવ ઘટાડીને ડિફેન્સ મિકેનિઝમને મજબૂત બનાવે છે. સ્ટેમિનામાં સુધારે થવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે. સાથે સાથે ક્રોનિક બીમારીઓ સામે પણ રક્ષણ મળશે. ત્વચાની નરમાશ જાળવી રાખવા માટે નારિયેળના તેલથી મસાજ કરો.