દરેક ભારતીય પરિવારમાં ભાત તો લગભગ રોજ બનતા જ હોય છે. તે ઓછા સમયમાં બની અને પચી જતા હોવાથી આપણે તેને ખાવાનું પસંદ કરીએ છીએ. આપણે ભાત રાંધીએ ત્યારે તેનું ઓસામણ (ભાત રાંધતી વખતે રહેતું સફેદ પાણી) મોટેભાગે કિચનની સિન્કમાં વહાવી દેતા હોઇએ છીએ. આ પાણીનો શું ઉપયોગ? એવું માનીને જવા દીધેલું આ પાણી ખરેખર તો ખૂબ ઉપયોગી છે. તેમાં ફાઇબરની માત્રા વધારે હોવાને લીધે તે શરીરનું મેટાબોલિઝમ વધારે છે, તેને કારણે શરીર સ્ફૂર્તિલું બને છે. તે કઇ કઇ રીતે આપણને ઉપયોગી થાય છે તે જરા વિગતે જાણીએ.
• કબજિયાતમાં રાહતઃ કબજિયાતની સમસ્યા થાય એટલે પેટ ફુલી જાય, પેટમાં અસુખ વર્તાય, ભૂખ ન લાગે, ચહેરા ઉપર ગરમી નીકળવા લાગે આવી કેટલીયે સમસ્યા કબજિયાતથી થાય છે. એટલું જ નહીં કબજિયાતને કારણે ધીમે ધીમે પેટની સમસ્યા પણ વકરે છે. ભાતનું ઓસામણ તમને આ સમસ્યામાંથી મુક્ત કરી શકે છે. ઓસામણમાં ફાઇબરની માત્રા વધારે હોવાને કારણે તે શરીરનું મેટાબોલિઝમ વધારે છે, આથી પાચનશક્તિ મજબૂત બને છે. તે પેટની અંદરના ખરાબ બેક્ટેરિયાને દૂર કરીને સારા બેક્ટેરિયા બનાવે છે. તમને પણ જો કબજિયાતની સમસ્યા હોય તો ભાતનું ઓસામણ મદદરૂપ થશે.
• ડાયેરિયાથી બચાવેઃ ચોમાસાની સિઝનમાં નાના-મોટા દરેકને ડાયેરિયાની તકલીફ થઇ જતી હોય છે. કોઇ પણ ઉંમરની વ્યક્તિને ડાયેરિયાની સમસ્યા વેળા ભાતનું ઓસામણ પીવડાવવામાં આવે તો ડાયેરિયાની તકલીફ તરત દૂર થઇ જાય છે.
• તાવમાં પણ રાહતઃ વાઇરલ ઇન્ફેક્શન થઇ ગયું હોય છે ત્યારે શરદીની સાથે શરીર ગરમ થઇ જતું હોય છે. નોર્મલ ટેમ્પરેચર રહેતું હોય તો ભાતનું ઓસામણ પીવાથી તે દૂર થાય છે. તેની અંદર એન્ટિ-ઓક્સિડન્ટ હોવાથી તે પીવાથી શરીરનો કચરો સાફ થાય છે અને તાવની તકલીફ દૂર થાય છે.
• હાઈ બ્લડપ્રેશરમાં અસરકારકઃ હાઇ બ્લડપ્રેશરની તકલીફમાંથી મુક્ત થવા માટે લોકો ઘણાં પ્રયત્નો કરે છે, પણ ભાગ્યે જ આ પ્રયત્નો સફળ થતા હોય છે. જો નાની ઉંમરમાં આ તકલીફ આવી ગઇ તો જીવનપર્યંત દવાનો સહારો લેવો પડતો હોય છે. આપણે ઘરેલુ ઉપાય તો અજમાવી લેતા હોઇએ છીએ પણ તે ખાસ સફળ થતા નથી. જોકે હાઇ બીપીથી પીડાતી વ્યક્તિ માટે ભાતનું ઓસામણ ઘણું ગુણકારી સાબિત થાય છે. તેની અંદર સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે, તેથી રોજ તેનું સેવન કરવાથી હાઇ બીપીના દરદીને આ સમસ્યા ઓછી થઇ જશે. જોકે આ માટે દરરોજ ભાતનું ઓસામણ પીવું જરૂરી છે.
• તાકાત પ્રદાન કરનારઃ શરીરમાં અચાનક એનર્જી ન હોય તેવો અનુભવ થાય, શરીર ખાલી લાગવા માંડે, શક્તિ ન હોય તેવું વર્તાય ત્યારે તરત ભાતનું ઓસામણ પી લેવું. તે તરત જ તાકાત આપશે, તે પીવાથી શરીરને ઊર્જા મળશે. ભાતના ઓસામણમાં કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં હોય છે, તેથી તે શરીરને જરૂરી તાકાત અને ઊર્જા પૂરી પાડે છે. જે લોકોને કારણ વગર થાક વર્તાતો હોય, પથારીમાંથી ઊઠવાનું મન ન થતું હોય તેમણે રોજ સવારે ભાતનું ઓસામણ પીવું જોઇએ. ભાતનું ઓસામણ પીવાથી શરીરને કાર્બોહાઇડ્રેટ મળે છે, તેના કારણે તાકાત પણ મળી રહે છે. તેનાથી એનર્જી બૂસ્ટ થાય છે.
• શરીરને હાઇડ્રેટ રાખેઃ ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશનની સમસ્યા સતાવતી હોય છે. ગરમીમાં રોજ ઓસામણનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. આ સિવાય જે બહેનોને સફેદ પાણીની - પ્રદરની સમસ્યા હોય તેઓ પણ ભાતનું ઓસામણ પીશે તો તે સમસ્યા દૂર થશે.