આપણા શરીરની અંદરની ક્ષમતા, તાકાત એટલે સ્ટેમિના. ઘણાં લોકોનાં મનમાં એ સવાલ હોય કે સ્ટેમિના કઇ રીતે વધારવો. આજકાલ દરેકની લાઇફસ્ટાઇલ ભાગદોડભરી થઇ ગઇ છે, ખોરાક એવા થઇ ગયા છે કે સ્ટેમિના ઘટતો જાય છે. સરવાળે થાય છે એવું કે થોડાક શારીરિક શ્રમથી આપણે થાકી જઇએ છીએ. થોડુંક ચાલવાનું આવે તો પણ થાક લાગવા માંડે, થોડું વધારે કામ થઇ ગયું હોય તો શરીર દુઃખવા લાગે. આમ થવા પાછળનું કારણ સ્ટેમિના ઓછો હોવાનું હોય છે.
તો હવે એ સમજીએ કે આટલું મહત્ત્વ ધરાવતો સ્ટેમિના વધારવા આપણે શું કરવું જોઇએ? તો એનો જવાબ એ જ છે કે લાઇફસ્ટાઇલ બદલવી જોઇએ, રહી વાત ખોરાકની તો હેલ્ધી ખોરાક લેવો. હેલ્ધી ખોરાક લેવાથી સ્ટેમિના આપોઆપ વધશે. સ્ટેમિના વધારે તેવા ખોરાકમાં કઇ કઇ ચીજવસ્તુનો સમાવેશ થાય છે તેના ઉપર એક નજર કરીએ.
• કેળાંઃ દરેક ફળમાં ફાઇબર અને નેચરલ સુગર હોય છે. તેથી કોઇ પણ ફળ ખાવાથી તરત જ શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. કેળાંની વાત કરીએ તો તેમાં થાઇમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામિન-ઇ અને બી સારી એવી માત્રામાં હાજર હોય છે. આ સિવાય કેળાંને ઊર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે તેથી સવારના નાસ્તામાં રોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે. રોજ સવારે દૂધ સાથે એક કે બે કેળાં ખાવાથી લંચ સમય સુધી ભૂખ નથી લાગતી. તેમજ તેમાં રહેલા તમામ ગુણ શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે.
• પીનટ બટરઃ પીનટ બટરમાં ઓમેગા-૩ ફેટ્સ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ બંને તમારા શરીરની ઊર્જાનું સ્તર વધારવાની સાથે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે. પીનટ બટરને પણ ઊર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તે હેલ્ધી ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તે ખાવાથી પેટ ભરેલું લાગે છે. જે લોકો વર્કઆઉટ કરતાં હોય તેમણે પોતાના ડાયેટમાં પીનટ બટરને ખાસ સામેલ કરવું જોઇએ. તેનાથી ભરપૂર માત્રામાં શરીરને પ્રોટીન પ્રાપ્ત થાય છે.
• ખાટાં ફળોઃ ખાટાં ફળ વિટામિન-સી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિટામિન-સી સિવાય પણ તેમાં ગુણકારી પોષકતત્ત્વો જેવાં કે શર્કરા, ફાઇબર, પોટેશિયમ, ફોલેટ, કેલ્શિયમ, થાયામિન, નિયાસિન, વિટામિન-બી૬ વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી તેના સેવનથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે. શરીરને પૂરતાં પ્રમાણમાં ઊર્જા મળે તો સ્ટેમિના પણ આપોઆપ મજબૂત બને. આમ, ખટાશવાળાં તમામ ફળ ખાવાં જોઇએ. ખાસ કરીને સિઝનલ ફળ ચોક્કસ ખાવાં.
• લીલાં પાનવાળાં શાકભાજીઃ લીલાં પાનવાળાં શાકભાજી શરીરમાં લોહતત્ત્વની કમી પૂરી કરે છે. આમ શરીરનો સ્ટેમિના વધારવા માટે લીલાં પાનવાળાં શાકભાજી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તે શરીરને હેલ્ધી પણ રાખે છે. તેમાં ફાઇબર, કેલ્શિયમ, વિટામિન્સ, નિયાસિન જેવાં મહત્ત્વનાં તત્ત્વો હોય છે, જે શરીરમાં લોહતત્ત્વની કમી પૂરી કરીને હિમોગ્લોબિન વધારે છે, સાથે સાથે તેના સેવનથી સ્ટેમિના પણ વધે છે. નાનાં બાળકોએ તો ખાસ લીલાં શાકભાજી ખાવાં જોઇએ, તે સ્ટેમિના વધારવાની સાથે આંખ અને મગજ બંને માટે ગુણકારી હોય છે.
• બદામઃ બદામમાં વિટામિન-ઇ, ઓમેગા-૩ ફેટી એસિડ, ફાઇબર અને પ્રોટીન જેવાં પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં સમાયેલાં હોય છે. જે શરીરનો સ્ટેમિના વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. આમ પણ બદામને સૂકામેવાનો રાજા કહેવામાં આવે છે. તેમાં મેંગેનીઝ અને પોટેશિયમ પણ સારી એવી માત્રામાં હોય છે જે હાડકાં મજબૂત બનાવવાનું કામ કરે છે. મેંગેનીઝ અને પોટેશિયમ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવાનું કામ પણ કરે છે.