હેલ્થ ટિપ્સઃ શરીરને સ્વચ્છ રાખવા પૂરતું પાણી પીઓ

Saturday 10th August 2019 07:17 EDT
 
 

મનુષ્યના શરીરમાં ૬૦થી ૬૫ ટકા પાણી હોય છે. તમારે ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ગ્લાસ એટલે કે અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ જ. હા વધારે પીઓ તો ચોક્કસ નુકસાન થાય. પૂરતું પાણી શા માટે પીવું જોઇએ?
(૧) શરીરમાં ઝેરી પદાર્થો વાયુ, પ્રવાહી કે ખોરાકરૂપે ગયા હોય તેને કિડની વાટે કાઢવા માટે. (૨) હોર્મોન, લોહી એન્ઝાઇમ અને ન્યુરોટ્રાન્સમીટર્સ બનાવવા જરૂરી તત્ત્વો પાણીમાં છે માટે. (૩) શરીરના બધા અવયવોને મ્યુક્સની મદદથી સુંવાળા - તંદુરસ્ત કરે છે. શરીરમાં રહેલા પાણીના જથ્થામાંથી ફક્ત પાંચ ટકા પાણી ઓછું થાય તો ચામડી સુકાઈ જાય, કરચલી પડે, આંખોની ચમક જતી રહે, નબળાઈ લાગે. જો ૧૫ ટકા ઓછું થાય તો મૃત્યુ થાય.

પાણી વિશેની થોડી ખરી-ખોટી માન્યતાઓ

તમારી પાચનશક્તિ ઘટે છે કારણ કે હોજરીના રસ (એસિડ) મંદ થઈ જાય છે. આ વાત ખોટી છે કેમ કે હોજરીના પાચક રસના પ્રમાણમાં જે થોડો ચાવેલો ખોરાક તમે પાણી પીઓ તો સેમિ સોલીડ અવસ્થામાંથી સેમિ લિક્વીડ અવસ્થામાં આવે છે જેથી હોજરીના રસ તેને વધારે પાતળો કરી આગળ આંતરડામાં ધકેલે છે. અલબત્ત પાણીને લીધે તમારી હોજરી થોડીક ભરાવાથી તમને ખાધાનો સંતોષ થાય છે અને તમે વધારે ખાતા નથી, જેથી વજન ઘટાડવાના પ્રયત્નો સફળ થાય છે. પાણી વધારે પીવાથી શરીરમાં જુદી જુદી મેટાબોલિક ક્રિયાથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો (ટોક્સિક એલિમેન્ટ) જે દવા, ખોરાક, પ્રવાહી રૂપે શરીરમાં દાખલ થયા હોય તેને કાઢી નાખવાનું કામ કિડની ઝડપથી કરે છે. જો વધારે મીઠું લેતા હો અને સોજા હોય તો પણ તે વધારે પાણી પીવાથી સોજા ઓછા થઈ જાય છે. પાણીને બદલે બીજું પ્રવાહી પીઓ તો ના ચાલે કારણ કે પાણીને બદલે તમે દારૂ, ચા, કોફી કે કોકાકોલા પીઓ તો તેમાં રહેલું કેફીન અને બીજા તત્ત્વો શરીરને નુકસાન કરે. હા, લીંબુનું પાણી, છાશ, દાળ, સૂપ, કઢી વગેરેનો કે દૂધ જેવા પ્રવાહીનો પ્રમાણસર વાંધો નથી.
પાણીમાં રહેલું કેલ્શિયમ ઓસ્ટીઓપોરોસીસ થતાં રોકે છે. શરીરમાં પાણી અપૂરતું હોય તો વા, કમરનો દુઃખાવો કે સાંધાનો વા જેવા દર્દ થાય છે એ સિદ્ધ થયેલી વાત છે. આજે જ પાણી પ્રયોગ શરૂ કરો. ડાયાબિટીસ અને બીપીમાં ફાયદો થશે. હાડકાં મજબૂત થશે. તન હલકું લાગશે, મન ઉપરનો ભાર દૂર થશે. નિરાંતે ઊંઘ આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter