કોઇને પણ વધારે કસરત કરો કહેવાનું સરળ છે, પણ વય વધે ત્યારે કસરત કરવાનું મુશ્કેલ બને છે. સિનિયર સિટિઝન્સને સંતુલન સાધવા, ચપળતા દાખવવા, ઝડપથી હલનચલન કરવા વગેરેમાં અનેક સમસ્યા નડે છે, અને દિવસોના વહેવા સાથે આ સમસ્યાઓ વધતી જ જાય છે. જોકે કેટલીક સાદી કસરતો ઘરમાં જ કરીને વડીલો સંતુલન અને ચપળતા જાળવી શકે છે.
• ઘરમાં જ ચાલો
વડીલો ઘરમાં અથવા પોતાના રૂમમાં પંદર-વીસ પગલાં જમણી તરફ અને પંદ૨-વીસ પગલાં ડાબી તરફ ચાલી શકે છે. આ દરમિયાન જરૂરી લાગે તો નજીકની રેલિંગ અથવા દીવાલ કે ટેબલનો ટેકો લેતાં અચકાવું નહીં. આ ટેકો વડીલોને સંતુલન જાળવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. આ કસરત કરવાથી કમરથી નીચેના ભાગનું સંતુલન જળવાશે.
• એક પગ પર સંતુલન
જમીન પર પગની પકડ બરાબર રહે તે રીતે ઊભા રહો. તે પછી ધીરે ધીરે એક પગ થઇ શકે એટલો ઊંચો કરો. 3-5 મિનિટ એ જ સ્થિતિમાં રહો અને પછી આ જ ક્રિયા બીજા પગથી કરો. આવું પાંચ-દસ વાર કરો. આ કસરત કરતી વખતે એ ધ્યાન રાખવું કે જરૂર લાગે તો ટેકો લઇ શકાય એવી કોઇ મજબૂત વસ્તુ નજીકમાં હોવી જોઇએ.
• ઊઠ-બેસ કરો
એક ખુરશી લઇ તેના પર બેસો. તે પછી બને તો કોઇ પ્રકારનો ટેકો લીધા વિના ઊભા થાવ અને ફરી પાછા ખુરશી પર બેસી જાવ. આ સાદી કસરત ઓછામાં ઓછી 10-15 વાર કરો. આનાથી નિતંબના અને સાથળના સ્નાયુઓને મજબૂત થવામાં મદદ મળે છે.
• પેટની કસરત
પીઠના નીચેના ભાગને મજબૂત બનાવવા માટે આ કસરત અત્યંત ફાયદાકારક છે. સૌથી પહેલાં પેટને અંદરની તરફ ખેંચો. પાંચેક સેકન્ડ આ જ સ્થિતિમાં રહી પછી શ્વાસ છોડીને ફરીથી પેટને અંદરની તરફ ખેંચો. આ રીતે દસ-પંદર વખત આ ક્રિયા કરો. એક વાર આ કસરત કરવાની ટેવ પડી જાય પછી તેને દિવસમાં ગમે તેટલી વાર કરી શકાય છે.
• પગ હલાવવા
ઘરમાં બાલ્કનીની રેલિંગ, ડાઇનિંગ ટેબલ અથવા અન્ય કોઇ મજબૂત વસ્તુ પકડીને ઊભા રહો. જમણો પગ સ્થિર રાખીને ડાબા પગને દસ વાર પહેલાં આગળ લાવો, પછી પાછળ લઇ જાવ. આ જ રીતે જમણા પગને પણ 10 વાર આગળ-પાછળ હલાવો. આ કસરત કરવાથી પગની હલનચલનની ક્ષમતા વધે છે. આ ઉપરાંત, ફિઝિયોથેરાપિસ્ટ જરૂરિયાત અને સ્વાસ્થ્ય અનુસાર કઇ કસરત કરવી તે અંગે જણાવી શકશે.