આપણે સહુ જાણીએ છીએ કે, શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી ‘ગોળ’ તૈયાર થાય છે. આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે છે અને એટલે જ ગોળને પોતાનો વિશિષ્ટ રંગ મળે છે. ગોળમાંથી ભારતયો જુદી જુદી અનેક વાનગીઓ બનાવે છે, ચૂરમું, લાપસી, શીરો વગેરેમાં ગોળનો વિશેષ ઉપયોગ કરીએ છીએ.
આયુર્વેદ પ્રમાણે ગોળ પચવામાં ભારે, ચીકણો તથા મૂત્રને સાફ કરનાર છે. તે બળ, વીર્ય, મેદ અને કૃમિને વધારનાર છે. નવો ગોળ ઉધરસ, શ્વાસ-દમ, કફ, કૃમિ વધારનાર અને જઠરાગ્નિને મંદ કરનાર છે. જૂનો ગોળ મધુર, રુચિકારક, પચવામાં હલકો, સર્વદા હિતકારી, જઠરાગ્નિવર્ધક, હૃદય માટે હિતકારી, રક્તને શુદ્ધ કરનાર તથા થાકને દૂર કરનાર છે. જૂનો ગોળ ઉપયોગમાં ન લેવો જોઈએ એ માન્યતા ભૂલભરેલી છે. ગોળ જો એકથી ત્રણ વર્ષ જૂનો હોય તો તે વધારે ગુણકારી હોય છે, પરંતુ ગોળ ત્રણ વર્ષથી વધારે જૂનો થતા તેના ગુણો ઘટતા જાય છે. ખાંડ કરતાં ગોળ કરતાં ઉત્તમ ગણાય છે. ખાંડમાં ખનિજ દ્રવ્યો નહીંવત હોય છે જ્યારે ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, તાંબુ વગેરે પૂરતા પ્રમાણમાં રહેલાં છે.
ગોળનું જુદાં જુદાં દ્રવ્યો સાથે સેવન કરવાથી તે જુદાં જુદાં પરિણામ આપે છે. જેમ કે, આદું સાથે લેવાથી ગોળ કફને મટાડે છે, હરડે સાથે લેવાથી તે પિત્તનો નાશ કરે છે અને સૂંઠ સાથે લેવાથી વાયુ અને વાયુના સર્વ વિકારોને મટાડે છે. સરખા ભાગે ગોળ અને સૂંઠની ઘીમાં નાની નાની લાડુડી બનાવી, તેનું સેવન કરવાથી શિયાળા અને ચોમાસામાં તે વાયુનો નાશ કરીને ભૂખ લગાડે છે. તેમજ શિયાળાની ભારે ઠંડીમાં પણ શરદીથી બચાવે છે.
શ્વાસ-દમના રોગમાં ગોળનો એક સરળ, ઘરગથ્થુ ઉપચાર આ પ્રમાણે કરી શકાય. પાંચથી દસ ગ્રામ ગોળ અને એટલું જ સરસવનું તેલ લઈ, બંનેને મિશ્ર કરી રોજ સવારે તેનું સેવન કરવું. સતત ત્રણ સપ્તાહ આ ઉપચાર કરવો. શ્વાસ, શરદીમાં અવશ્ય લાભ થશે.
શિયાળામાં ગોળ અને આમળાનું નિત્ય સેવન કરવું ઘણું હિતકારી છે. અડધી ચમચી આમળાનું ચૂર્ણ થોડા ગોળ સાથે રોજ સવારે લેવાથી બળ-વીર્યની વૃદ્ધિ થાય છે. થાક, બળતરા અને મૂત્રનો અવરોધ દૂર થાય છે. હેમંત, શિશિર અને વર્ષા ઋતુમાં ગોળનું સેવન કરી શકાય, પરંતુ વસંત ઋતુમાં ગોળ ન ખાવો જોઈએ. પિત્તના રોગોમાં ગોળ બિલકુલ ન ખાવો જોઈએ. મેદવૃદ્ધિ, ચામડીના રોગો, દાંતના રોગો, ડાયાબિટીસ, તાવ, શરદી, મંદાગ્નિ વગેરેમાં પણ ગોળનું સેવન ન કરવું જોઈએ.