હેલ્થ ટિપ્સઃ શિયાળામાં બહુ ગુણકારી છે ટોમેટો સૂપ

Saturday 17th December 2022 15:54 EST
 
 

સૂપની વાત નીકળે તો સૌથી પહેલાં ટોમેટો સૂપનું નામ આવે છે. ટોમટો સૂપ સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. ટોમેટો સૂપ એવી વસ્તુ છે કે બાળકોથી લઈને વડીલો સુધી બધાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શિયાળાના દિવસોમાં તો ખાસ. ઠંડા ઠંડા દિવસોમાં ટોમેટો સૂપને ડાયટનો ભાગ બનાવી લેવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે.
• ઇમ્યુનિટીમાં વધારો કરેઃ ટોમેટો સૂપમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે ઇમ્યૂનિટી વધારવાનું કામ કરે છે. ટોમેટો સૂપ પીવાથી શરદી, કફ અને ફ્લૂ જેવી તકલીફો દૂર રહે છે. જો તમે શિયાળામાં આ તકલીફોથી બચવા માગો છો તો સવારની ડાયટમાં ગરમાગરમ ટોમેટો સૂપનું અવશ્ય સેવન કરો.
• પાણીની ઊણપ દૂર થાયઃ ઠંડીના દિવસો દરમિયાન શિયાળામાં મોટાભાગના લોકોના શરીરમાં પાણીની અછત થઈ જાય છે. જેના કારણે ઘણા હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે. ટોમેટો સૂપ શરીરમાં પાણીની ઊણપ દૂર કરે છે. આ સૂપ ડિહાઇડ્રેશનથી બચાવે છે. ટોમેટો સૂપ શિયાળામાં શરીરનું ટેમ્પરેચર પણ મેઇન્ટન રાખે છે.
• પાચનતંત્ર માટે લાભકારકઃ ટોમેટો સૂપ ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે, જે પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે. ટોમેટો સૂપ પીવાથી પાચનની સમસ્યા થતી નથી. ફાઈબરથી ભરપૂર આ સૂપ ખૂબ જ લાઈટ હોવાને કારણે સરળતાથી પચી જાય છે.
• વજન અંકુશમાં રાખેઃ શિયાળામાં ખાન-પાન એવું હોય છે કે ઘણા લોકોનું વજન વધી જાય છે. લોકો તળેલી, શેકેલી વસ્તુઓ વધુ ખાય છે, જે શરીરમાં ફેટ વધારે છે. વજન ઘટાડવા માટે ટોમેટો સૂપને ડાયટનો ભાગ બનાવો. તેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. વળી તે ફાઈબરથી ભરપૂર હોય છે, આમ તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ તે ભૂખને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે, જેથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter