શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાઇ૨લ ફીવર જેવી સમસ્યાઓની સાથે સાથે ઘણા લોકોને માથાનો દુખાવો અને માથું ભારે થવાની સમસ્યાથી પણ પરેશાન રહે છે. ઘણી વખત સવારે પથારીમાંથી ઊઠ્યા પછી પણ માથાના દુખાવો ચાલુ રહેતાં ઘણી સમસ્યાઓ થાય છે. કેટલાક લોકો માથાનો દુખાવો શમાવવા માટે પેઇનિકલર લે છે તો કેટલાક લોકો મલમ લગાવીને રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. જોકે એવું જરૂરી નથી કે દર વખતે આમ કરવાથી રાહત મળે. આવી સ્થિતિમાં, કેટલાક ઘરેલુ ઉપચાર તમારી સમસ્યાને પળવારમાં દૂર કરી દેશે. તેની કોઈ આડઅસર પણ થશે નહીં. આવો જાણીએ માથાનો દુખાવો દૂર કરવાના હાથવગા ઉપાયો...
જો ઠંડા વાતાવરણમાં માથાના દુખાવાની ફરિયાદ હોય તો ગરમ વસ્તુઓનું સેવન કરવાથી આરામ મળે છે. કેફીન અથવા કોઈ પણ ગરમ પદાર્થનું સેવન તણાવ ઘટાડે છે અને માથાનો દુખાવો મટાડે છે. ‘જર્નલ ઓફ હેડેક એન્ડ પેઇન’ અનુસાર કેફીનના સેવનથી મૂડ પણ સારો રહે છે. આનાથી તમે વધુ સતર્ક રહો છો અને બ્લડ સેલ્સ રિલેક્સ રહે છે, જેના કારણે માથાનો દુખાવો દૂર થાય છે. શિયાળામાં માથાનો દુખાવો દૂર કરવા માટે આદુંનો ઉકાળો અદભુત કામ કરે છે. તેનાથી શરીરને ગરમી મળે છે અને દર્દમાં પણ રાહત મળે છે. આદુંનો ઉકાળો પણ શરીરમાં બળતરાની સમસ્યાને ઓછી કરે છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. જો તમે ઇચ્છો તો ઉકાળાની જગ્યાએ આદુંનું પાણી પીવું પણ ફાયદાકારક છે. જ્યારે તેમાં મધ ઉમેરવામાં આવે છે ત્યારે તેની અસર વધુ અદ્ભુત બની જાય છે.
જો શરદીને કારણે માથાનો દુખાવો થતો હોય તો તેલને હુંફાળું ગરમ કરીને હળવા હાથે માલિશ કરો. આ ખૂબ અસરકારક છે. આમાં પણ સરસવનું તેલ તો આશ્ચર્યજનક રીતે અસરકારક છે. તેનાથી જલદી રાહત મળે છે. મસાજ કરવાથી માંસપેશીઓને આરામ મળે છે અને તે માઇગ્રેનના હુમલાથી પણ બચાવે છે.