શિયાળામાં મોટેભાગે સાંધામાં દુઃખાવો અને તેમની મૂવમેન્ટમાં સમસ્યા થવા લાગે છે. સંધિવા, સાંધાની નબળાઈ કે જૂની ઈજામાં આ સમસ્યા વધુ થાય છે. જોકે, યોગ્ય સંભાળ અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને આ સમસ્યા ઘટાડી શકાય છે. જેમ કે, સાંધા ખાસ કરીને ઘુંટણ, કોણી અને હાથને ગરમ રાખવા માટે તેમને સારી રીતે ઢાંકીને રાખો. સાંધાનો શેક કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત સ્ટ્રેચિંગ, યોગ અને વોક વગેરે દ્વારા પણ સાંધાની મૂવમેન્ટ સારી રહે છે. જોકે એ ખાસ યાદ રાખશો કે વધુ પડતી કસરતથી બચવું જરૂરી છે.
• રોક સોલ્ટ નાખીને સ્નાનઃ હુંફાળા પાણીમાં સિંધવ નમક (રોક સોલ્ટ) નાખીને સ્નાન કરવાથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. તેમાં રહેલી મેગ્નિશિયમ ઈફ્લામેશન ઘટાડે છે. સાથે સાથે જ તે માંસપેશીઓને આરામ પહોંચાડે છે, જેના માટે સ્નાનથી 15-20 મિનિટ પહેલા હુંફાળા પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરો.
• સ્ટ્રેસ મેનેજ કરોઃ વધુ પડતો માનસિક તણાવ કાર્ટિસોલ હોર્મોન રિલીઝ કરે છે, જે ઈન્ફલામેશન વધારે છે. આથી મેડિટેશન, ડીપ-બ્રીધિંગ જેવી ગતિવિધિઓ દ્વારા તણાવને મેનેજ કરો. આ ઉપરાંત પૂરતું પાણી પીવો. પાણીની ઉણપથી પણ સાંધામાં દુ:ખાવો વધે છે.
• દરરોજ તડકો, મશરૂમ ખાઓઃ હાડકાંની મજબૂતી અને સાંધાના દુઃખાવામાં રાહત માટે વિટામિન-ડી જરૂરી છે. શિયાળામાં તડકાના અભાવને લીધે વિટામિન-ડીનું સ્તર ઘટી શકે છે. આથી શક્ય હોય તો દરરોજ 10-15 મિનિટ સવારના કૂણા તડકામાં બેસો. આ ઉપરાંત મશરૂમ પણ વિટામિન-ડીનો સારો સ્ત્રોત છે. ડોક્ટરની સલાહ મુજબ સપ્લીમેન્ટ પણ લઇ શકો.