હેલ્થ ટિપ્સઃ શું તમારું શુગર લેવલ ઝડપથી વધી રહ્યું છે? આ ચાર ટેવો આજથી જ છોડી દો

Saturday 29th June 2024 08:55 EDT
 
 

શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા પાછળ એક મુખ્ય કારણ તમારી ખરાબ લાઈફસ્ટાઈલ છે. ઘણી વાર લોકોને બ્લડ શુગરની સમસ્યાનો સામનો કરવો પડે છે કારણે કે તેમની લાઇફસ્ટાઈલ ખૂબ જ ખરાબ હોય છે તો આજે એવી જ કેટલીક ટેવો વિશે જાણીએ કે જેમને છોડી કે બદલીને તમે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખી શકો છો.
• રાતે મોડે સુધી જાગવુંઃ આજના સમયમાં લોકો રાત્રે કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરતા રહે છે. તેના કારણે ઊંઘવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે રોજ ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. રાત્રે લાંબા સમય સુધી મોબાઈલ કે લેપટોપ પર કામ કરવાથી તમે ભૂખ લાગે છે અને તમે કાંઈક એવું ખાઓ છો કે જેની બ્લડ શુગર લેવલ પર ખરાબ અસર પડે છે.
• ફિઝીકલ એક્ટિવિટી ન કરવીઃ ઘણા લોકો ફિઝીકલ એક્ટિવિટી બહુ ઓછી કરે છે. તમે શારીરિક સક્રિય નથી હોતા ત્યારે અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશવા લાગે છે. સ્વસ્થ રહેવા માટે લાઇફ સ્ટાઈલમાં ફિઝીકલ એક્ટિવિટીને ચોક્કસપણે સામેલ કરો. તે બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખે છે.
• વધુ પડતો સ્ટ્રેસઃ વધુ પડતો સ્ટ્રેસ લેવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સ્ટ્રેસ લેવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર ઘટવા લાગે છે અને એપિનેફાઈન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ વધવા લાગે છે. જે સરવાળે બ્લડ શુગર લેવલ પણ વધારે છે.
• કેલરી કાઉન્ટની કાળજીઃ શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા તમે આખા દિવસમાં કેટલી કેલરી લો છો તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેલરીની સંખ્યા ઘટાડવા તમારા આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડેટ્સને સંતુલિત કરવા જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter