નિરામય સ્વાસ્થ્ય માટે જેમ વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ વગેરેનું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે પાણી. જો તમે તંદુરસ્તી-મનદુરસ્તી ટનાટન રાખવા માગતા હો તો દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. અપૂરતા પાણીના કારણે શરીર અનેક રોગનું ઘર બને છે, જે અભ્યાસમાં પુરવાર થયેલી હકીકત છે. તો આવો આજે આપણે જાણીએ પાણી પીવાથી થતા લાભો વિશે...
• સ્નાન પહેલા પાણીઃ સ્નાન પૂર્વે પાણી પીવાથી બ્લડપ્રેશર અંકુશમાં રાખવામાં મદદ મળે છે. જો ગરમ પાણીથી નહાવાના હો તો ન્હાતા પહેલા ઠંડુ પાણી ન પીવું.
• ભોજનના અડધો કલાક પહેલાઃ ભોજનના અડધા કલાક પહેલા પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. પરિણામે જમવાનું પણ ઓછું ખવાય છે. આમ વજન ઘડાડવામાં મદદ મળે છે.
• ભૂખ લાગે ત્યારે પાણીઃ ભૂખ લાગે ત્યારે સૌથી પહેલા તો પાણી પીઓ અને પછી ૧૦ મિનિટ રાહ જૂઓ. આ પછી પણ જો ભૂખ ઓછી ન થાય તો કશુંક જમી લો. આમ કરવાથી તમે વધારાના ખોરાકથી બચશો, અને વજન અંકુશમાં રહેશે.
• કસરત કરતા પહેલા અને પછીઃ કસરત કરતાં પહેલા અને પછી અવશ્ય એક અથવા બે ગ્લાસ પાણી પીઓ જેથી શરીર હાઇડ્રેટ રહે. આનાથી સ્નાયુઓને શક્તિ મળી રહેતા થાક પણ ઓછો લાગે છે.
• થાક લાગે ત્યારેઃ તનથી કે મનથી થાક અનુભવો ત્યારે એક અથવા બે ગ્લાસ પાણી પીશો તો મગજ સક્રિય થઇ જશે. આનાથી એનર્જી લેવલ વધે છે અને થાક પણ દૂર થાય છે.
અને સૌથી છેલ્લું, ક્યારેય ઉભા રહીને પાણી ન પીઓ. આનાથી અમુક ઉંમર પછી ઘૂંટણના દુઃખાવાની સમસ્યા થવા લાગે છે. આથી હંમેશા પાણીનો ગ્લાસ લો અને બેઠા બેઠા પાણી પીઓ.