લોકોની નિરામય સ્વાસ્થ્ય અંગે જાગ્રતતા વધતી જાય છે તેની સાથે સાથે સૂકા મેવાનું મહત્ત્વ પણ વધતું જાય છે. સૂકા મેવામાં બદામ, અખરોટ, પિસ્તાં, (મીઠા વગરના) ઉપરાંત ખજૂર, અંજીર, જરદાલુ વગેરે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઉપરાંત મોળી સીંગ, તલ વગેરે પણ ખૂબ ઉપયોગી છે. જોકે સૂકા મેવામાં કેલરી વધુ આવે છે માટે એનો ઉપયોગ વધુ પડતો કરવાનું હિતાવહ નથી. આ સ્થિતિ ટાળવા માટે ઘરમાં એક મુઠ્ઠી મિક્સ મેવાની નાની કોથળીઓ બનાવીને ડબ્બામાં ભરી રાખો, તેથી વધુ પડતો ઉપયોગ ટાળી શકાશ. દિવસ દરમિયાન જ્યારે પણ વધુ પડતી ભૂખ લાગે ત્યારે સૂકો મેવો ખાઈ શકાય છે. સૂકા મેવાના ફાયદા ક્યા છે?
• અંજીર, ફ્લેક્સસીડ્સ વગેરેમાં ફાઇબર્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ પ્રમાણસર કરવામાં આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. અંજીર, ફ્લેક્સસીડ્સમાં પોષણ ભરપૂર છે. જેમ કે, વિટામિન ‘એ’, એમિનો એસિડ, ઓમેગા-૩ ભરપૂર પ્રમાણમાં આવેલાં છે.
• ખજૂર, અંજીર વગેરેને ખાંડની જગ્યાએ દૂધમાં નાખી તેમાં રહેલી નેચરલ સુગર તરીકે ઉપયોગ કરી તેના પોષકતત્વોનો ફાયદો મેળવી શકાય છે.
• બદામ, અખરોટ વગેરે પ્રોટીન અને ફાઇબર્સથી ભરપૂર છે. તેમાં આવેલી ‘ફેટ’ હાર્ટ માટે સારી છે.
• બની શકે તો કાજુ અને દ્રાક્ષનો ઉપયોગ ઓછો કરવો.
સૂકા મેવામાં આવેલી ફેટ અને ઓમેગા-૩ ફેટી એસિડથી હાર્ટના રોગો દૂર રાખી શકાય છે. સૂકો મેવો એન્ટિ-ઈન્ફ્લેમેટરી છે. સૂકા મેવામાં આવેલું ઓમેગા-૩ શરીરમાં પાણીનો ભાગ અને સોજા ઓછા કરે છે. આર્થ્રાઇટિસના પેશન્ટને મદદરૂપ થાય છે.
આટલું અવશ્ય ધ્યાન રાખો...
સૂકો મેવો જેમ કે, બદામ, પિસ્તાં, સીંગ નમક વાળા ખાવાં નહીં. તેનાથી શરીરને ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે. માર્કેટમાં મળતાં સીડ્ઝ જેવા કે ફ્લેક્સસીડ્ઝ વગેરે સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતા મીઠા અને મસાલાવાળા આવે છે. તેના બદલે ઘરે મીઠા વગરના લાવીને ખાવા વધુ હિતાવહ છે. વધુ પડતો સૂકો મેવો વજન વધારી શકે છે. દિવસમાં કુલ એક મુઠ્ઠી સૂકો મેવો ગમે તે સમયે ખાઈ શકાય છે. છતાં તેમાં કાજુ અને દ્રાક્ષ વધુ પડતા ખાવા નહીં.
• ફોલ્સ હંગરથી નિયંત્રણઃ સૌથી પહેલાં તો ભૂખ લાગે ત્યારે આ સાચી ભૂખ છે કે ફોલ્સ હંગર તે સમજવું અગત્યનું છે. વ્યક્તિને કકડીને ભૂખ લાગે છે, ત્યારે તેના શરીરનું મેટાબોલિઝમ વ્યવસ્થિત કામ કરે છે તેમ કહી શકાય. જમીન લીધા પછી તરત જ પિત્ઝા કે પાઉંભાજી જોઈને ફરી ભૂખ લાગે તેને ‘ફોલ્સ હંગર’ કહે છે.