આજની ભાગદોડભરી જિંદગી અને તણાવભર્યા કામકાજી માહોલના લીધે ડિપ્રેશનની સમસ્યા સામાન્ય બની રહી છે. આ એક એવી માનસિક અવસ્થા છે, જેને આસાનીથી ઓળખવી આસાન નથી. વ્યક્તિ શરીરે ચુસ્ત-દુરસ્ત દેખાતી હોય, પણ ડિપ્રેશનથી પીડાતી હોય તેવું પણ બની શકે છે. ડિપ્રેશનની સમસ્યા સંબંધિત જરૂરી માહિતી અહીં સવાલ-જવાબ સ્વરૂપે રજૂ કરવા પ્રયાસ કર્યો છે.
• ડિપ્રેશનની ઓળખ માટે કયો ટેસ્ટ છે?
- ડિપ્રેશનની ઓળખ કોઈ બ્લડ ટેસ્ટ કે રેડિયોલોજિકલ ટેસ્ટથી કરી શકાતી નથી. તેને માત્ર ક્લિનિકલ પરીક્ષણથી જ જાણી શકાય છે.
• નકારાત્મક વિચાર આવે છે. ધબકારા તેજ થાય છે. ઊંઘ ઓછી આવે છે. શું આ ડિપ્રેશન છે?
- પોતાના અંગે નકારાત્મક વિચારો, ઓછી ઊંઘ અને એંગ્ઝાયટી ડિપ્રેશનના સામાન્ય લક્ષણ છે. ઘણી વખત ડિપ્રેશનમાં વધુ ઊંઘ કે વધુ ભૂખનો અનુભવ થાય છે, જેને કમ્ફર્ટ ઈટિંગ કહે છે. તે પણ ડિપ્રેશનનું જ એક લક્ષણ છે. મહત્ત્વની વાત એ છે કે, ઉપરોક્ત લક્ષણ ઓછામાં ઓછા 2 મહિના સુધી રહેવા જોઈએ.
• શું મેનોપોઝથી ડિપ્રેશન થાય છે?
- મેનોપોઝમાં શારીરિક અને ભાવનાત્મક રીતે મોટા પાયે હોર્મોનલ પરિવર્તન આવે છે. હોટ ફ્લશ, ઊંઘની ઊણપ, મૂડમાં ઉતાર-ચઢાવ અને અનેક બાબતોમાં ડિપ્રેશનનો અનુભવ પણ થઈ શકે છે.
• શું કોઇ બીમારીની દવાની સાઈડ ઈફેક્ટથી પણ ડિપ્રેશન થઈ શકે છે?
- હા, એવી અનેક દવાઓ છે જે ડિપ્રેશનનું કારણ બની શકે છે. બીટા બ્લોકર્સ જેવી કેટલીક સામાન્ય દવાઓ છે, જે હાઈ બ્લડપ્રેશર, માઈગ્રેન અને ધ્રુજારીને ઘટાડવા માટે વપરાય છે. આ દવાઓ ડિપ્રેશનનું કારણ બની શકે છે. અન્ય દવાઓ જેમ કે, કોર્ટિકોસ્ટેરોઈડ્સ અને પાર્કિન્સન્સ રોગના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દવાઓથી પણ ડિપ્રેશન થઈ શકે છે. જોકે ડિપ્રેશનથી બચવા માટે આવી કોઇ પણ દવાઓનો ડોઝ ઘટાડવો કે તેનું સેવન જ બિલકુલ બંધ કરી દેવાનું યોગ્ય નથી. આ મામલે તમારે તમારા જીપીને કન્સલ્ટ કરવા જોઇએ.
• શું ડિપ્રેશનની દવાઓ આજીવન લેવી પડે છે?
- ના, આવું જરૂરી નથી. ડિપ્રેશનની ગંભીરતા અને હુમલાનો સમયગાળો વગેરેના આધારે આ સમયગાળો અલગ-અલગ હોઈ શકે છે. ડિપ્રેશનના પ્રથમ હુમલાના સંપૂર્ણ રીતે સાજા થયાના 12 મહિના સુધી એન્ટિ-ડિપ્રેસન્ટ દેવા લેવી જોઈએ. જો ડિપ્રેશનના વારંવાર હુમલા આવે છે તો ઓછામાં ઓછું 3-5 વર્ષ માટે દવા લેવાની સલાહ અપાય છે. હંમેશા યાદ રાખો કે ડિપ્રેશનના ઈલાજમાં તબીબી સલાહ વગર દવાઓ બંધ ન કરવી જોઈએ.