મોટા ભાગના લોકો માટે સવારે જાગવું એ એક પડકારરૂપ છે. એક અભ્યાસ મુજબ સવારની કસરત વજન ઘટાડવામાં સૌથી અસરકારક છે. સવારે જલ્દી જાગવાથી દિવસનું વધુ સારી રીતે આયોજન કરવામાં પણ મદદ મળે છે. ન્યૂ યોર્ક સિટીમાં ફેઇન્ટાઇન ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચના કસરતના મનોવૈજ્ઞાનિક સિયારન ફિયેલ કહે છે કે ઘણાં લોકોને સવારે કસરત કરવા માટે વહેલા ઉઠવામાં તકલીફ પડે છે. જોકે સાચી વાત એ છે કે આ લક્ષ્ય એટલું અઘરું નથી. કેટલીક પાયાની બાબતોને અનુસરીને તેઓ આમ કરી શકે છે. તેઓ આ વાતમાં સૌથી ફાયદાકારક બાબત સમયને ગણાવે છે. ફિયેલ કહે છે કે દિવસની દોડભાગ શરૂ થાય તે પહેલાંનો મોટા ભાગનો સમય આપણી પાસે હોય છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક સીન યંગસ્ટેડ કહે છે કે જો સવારે જાગવાને નિયમિત રૂટિન બનાવવું હોય તો થોડી શિસ્ત જરૂરી છે. ન્યૂરોસાયન્ટિસ્ટ કિમ્બર્લી ફેન કહે છે કે વહેલા જાગવું એ માત્ર વહેલા સુવા સાથે સંકળાયેલી બાબત નથી, પરંતુ તે સમગ્ર શરીરની કુદરતી ઘડિયાળને બદલવા માટે છે. આપણને સવારે જાગવામાં મદદ કરતો કોર્ટિસોલ હોર્મોન સવારે મોટી માત્રામાં ઉત્પન્ન થતા હોય છે, પરંતુ જો તમે સવારે 6થી સવારે 8 વાગ્યા સુધીમાં જાગવાનું શરૂ કરો છો તો આ હોર્મોનનું સ્તર અચાનક એટલું વધશે નહીં. આ માટે વહેલા સૂવા અને વહેલા જાગવાના સમયને ધીમે ધીમે બદલવો પડશે. ખાસ કરીને શિયાળામાં કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા કરવાથી ઊંઘને લાવનાર મેલોટોનિન હોર્મોનનું ઉત્પાદન બંધ થશે અને શરીરને જાગૃત થવામાં મદદ મળશે.
લાઇફસ્ટાઇલ હેલ્થના ચીફ મેડિકલ ઓફિસર અને મનોચિકિત્સક અનિશા પટેલે કહે છે કે દરરોજ સવારે વહેલા જાગવું જરૂર ફાયદાકારક સાબિત થઇ શકે છે, પરંતુ સાથે સાથે તેઓ ચેતવણી પણ ઉચ્ચારે છે કે શરીર માટે સંપૂર્ણ ઊંઘ પણ એટલી જ જરૂરી છે. ઊંઘ પૂરી થવી જોઇએ. જો ઊંઘ પૂરી થશે તો તમે દિવસ દરમિયાન ચુસ્તી-સ્ફૂર્તિ અનુભવશો અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.