શું તમે નિયમિત ચાલો છો? તો બહુ સારી વાત છે, પરંતુ દરરોજ ઝડપી પગલાથી ચાલો છો તો તે વધુ સારી બાબત છે. તે કેન્સર અને હૃદયની બીમારીનું જોખમ 25 ટકા ઘટાડે છે. આકસ્મિક મૃત્યુના જોખમને 35 ટકા સુધી ઘટાડે છે. નવા તબીબી સંશોધનનું આ તારણ છે. આ અભ્યાસમાં 78,500 લોકોના એક્ટિવિટી ટ્રેકરના ડેટાનો અભ્યાસ કરાયો હતો. એક્ટિવિટી ટ્રેકરના છેલ્લા 7-8 વર્ષના ડેટાના આધારે રિસર્ચર એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, દરરોજ 9,800 સ્ટેપ ચાલનારા લોકોમાં ભૂલવાની બીમારીનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે. જો 3800 સ્ટેપ ચાલો તો આ જોખમ 25 ટકા જ ઘટે છે. અભ્યાસના અન્ય તારણ પર નજર ફેરવીએ તો,
• દરરોજ માત્ર 2,400થી 3000 પગલાં ઝડપથી ચાલનારા લોકોમાં હૃદયની બીમારી, કેન્સર અને ભૂલવાની બીમારી થવાની આશંકા ઘટી જાય છે. તમે જ્યારે આખા દિવસના તમામ પગલાં ઝડપથી ચાલો છો તો
વધુ ફાયદાકારક છે. જો માત્ર 30 મિનિટ સામાન્ય ઝડપે ચાલો છો તો તેનો એટલો ફાયદો થતો નથી.
• દરરોજ 12,000 સ્ટેપ ચાલવાથી સમય પહેલા મૃત્યુ, હૃદયની બીમારી અને કેન્સરનું જોખમ 10 ટકા સુધી જ ઓછું જોવા મળ્યું છે. જ્યારે ઝડપથી ચાલનારાઓમાં આ જોખમનો ઘટાડો 25 ટકા જોવા મળ્યો છે. ચાલવાથી થતા ફાયદા અંગે અનેક અભ્યાસ થયા છે. તેમાં પણ જણાવાયું છે કે ઝડપથી ચાલવા જેટલો ફાયદો સામાન્ય ઝડપે ચાલવાથી થતો નથી.
• પ્રતિ મિનિટ વધુ પગલાં તો સમય પહેલાં મૃત્યુના જોખમમાં વધુ ઘટાડો, આ પણ અભ્યાસનું એક તારણ છે. રિસર્ચરોએ નોંધ્યું છે કે જે લોકો એક મિનિટમાં 80-100 સ્ટેપ ચાલે છે તેમની તંદુરસ્તી વધુ સારી છે. પ્રતિ મિનિટ વધુ સ્ટેપ ચાલનારામાં સમયથી પહેલા મૃત્યુનું જોખમ 35 ટકા સુધી ઓછું જોવા મળ્યું છે.
• ઝડપભેર ચાલવાથી સ્વાસ્થ્યને થતા લાભો અને જોગિંગના લીધે સ્વાસ્થ્યને થતાં લાભોમાં ફરક કરવો મુશ્કેલ છે. વિશેષજ્ઞોના મતે ઝડપથી ચાલવાના લીધે અને જોગિંગના લીધે થતા લાભોમાં શું અંતર છે એ જણાવવું મુશ્કેલ છે. એ સાબિત કરવા માટે પુરતો ડેટા નથી. 2013માં દોડનારા અને ચાલનારાઓ અંગે અભ્યાસ કરાયો હતો. ઝડપથી ચાલનારા અને જોગિંગ કરનારામાં એકસમાન ફાયદા જોવા મળ્યા હતા.