હેલ્થ ટિપ્સઃ સિંધાલૂણ મતલબ કે સિંધવ નમકના ફાયદા

Sunday 07th February 2021 04:47 EST
 
 

ગમેતેટલા મરીમસાલાના ઉપયોગ છતાં મીઠા વગરની વાનગી ફિકી લાગતી હોય છે. સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી છે. તો શું કરવું? આપણી પાસે તેના માટે શ્રેષ્ઠ ઓપ્શન સિંધાલૂણ છે. સિંધાલૂણને ઘણાં લોકો સિંધવ મીઠું કે નમક તરીકે પણ ઓળખે છે. જે વ્યક્તિને બ્લડપ્રેશરની તકલીફ છે તે લોકોને ખાસ મીઠાની જગ્યાએ સિંધવ મીઠું ખાવા સલાહ અપાય છે. સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે સિંધવ મીઠું ખરેખર શું છે? શું આ મીઠું છે? ના... સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર - મેગ્નેશિયમના મિશ્રણથી બને છે, તે Epsom saltના નામે પણ ઓળખાય છે. આ એક પ્રકારનું ખનીજ છે, જે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે અને ઓગળતા જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે.

તણાવ ઘટાડવામાં મદદરૂપ

જે વ્યક્તિ તણાવથી પીડાતી હોય તે જો નહાવાના પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરીને નહાય તો તણાવ ઘણો ઓછો થઇ જાય છે. આનાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માંસપેશીઓ જકડાઇ ગઇ હોય કે તેમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થાય છે.

ડાયાબિટીસમાં લાભદાયી

ડાયાબિટીસને કારણે ઘણી વાર શરીરમાં મેગ્નેશિયમની કમી વર્તાવા લાગે છે. તે યુરિન વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. શરીરમાંથી મેગ્નેશિયમ નીકળી જવાથી હોર્મોન્સ અસંતુલિત થાય છે. આથી ડાયાબિટીસનો ભય વધે છે. સિંધવ મીઠું ખાવાથી મેગ્નેશિયમ જળવાય છે.

કબજિયાતમાં રાહત

સિંધવ મીઠામાં લેક્સેટિવ ગુણ હોય છે. લેક્સેટિવના કારણે પેટમાં કબજિયાત રહેતી નથી. પેટ સાફ આવી જાય છે અને પાચનને લગતી કોઇ પણ તકલીફ નથી થતી, કારણ કે સિંધાલૂણથી પેટમાં પાચન હોર્મોન્સ અને ન્યૂરો ટ્રાન્સમીટર બંને ઉત્પન્ન થાય છે. તેનાથી ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને આમ કબજિયાતથી તમે દૂર રહી શકો છો.

સારી ઊંઘ આવે તે માટે

શરીર સ્વસ્થ રહે તે માટે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. જેમને આઠ કલાક ઊંઘ નથી આવતી તેણે સિંધાલૂણ ખાવું જોઇએ. તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. તેની અંદરનું મેલાટોનિન નામનું તત્ત્વ ઊંઘ લાવવાનું કામ કરે છે.

બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે

બ્લડપ્રેશરની સમસ્યા થાય એટલે મીઠું બંધ કરવાની કે ઓછું લેવાની સલાહ અપાય છે. તે સમયે સિંધાલૂણ મદદરૂપ બને છે. સિંધાલૂણમાં રહેલું મેગ્નેશિયમ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી બ્લડપ્રેશરના દરદીને સાદા નમકના બદલે તે ખાવાની સલાહ આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter