ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે પરેશાન કરે છે. સૂકી ઉધરસ શરૂ થાય પછી ઝડપથી બંધ થતી નથી અને ઊંઘ પણ બગડે છે. ઘણીવાર તો ઉધરસ પણ એટલી આવે કે પેટમાં અને પાંસળીમાં દુખાવો થઈ જાય. જો તમે પણ સૂકી ઉધરસની સમસ્યાથી પરેશાન છો તો આજે કેટલાક ઘરેલુ ઉપાય જાણીએ. આ ઘરેલુ ઉપાય સૂકી ઉધરસ મટાડવા માટે અસરકારક છે.
• મધઃ સૂકી ઉધરસની સમસ્યામાં મધ રામબાણ ઇલાજ સાબિત થાય છે. મધ એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે જે ઉધરસ અને ગળાની બળતરાને મટાડે છે. આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ ઉમેરીને દિવસમાં બેથી ત્રણવાર પીવાનું રાખો.
• આદુંઃ સૂકી ઉધરસની સમસ્યામાં આદુંનું સેવન કરવું પણ ફાયદાકારક રહે છે. આદુંમાં એન્ટિ માઇક્રોબિયલ ગુણ હોય છે જે સૂકી ઉધરસ અને ગળાની ખરાશની સમસ્યાને મટાડે છે. સૂકી ઉધરસ થઈ હોય તો આદુંનો ટુકડો મોઢામાં રાખવો. ધીરે ધીરે તેનો રસ ચૂસતા રહેવું.
• હળદરઃ હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સૂકી ઉધરસને મટાડવામાં બહુ મદદ કરે છે. ઉધરસ થઈ હોય તો રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પી લો. તેનાથી ગળાનો સોજો પણ ઉતરશે અને રાત્રે ઉધરસમાં રાહત રહેશે.
• તુલસી અને કાળા મરીઃ તુલસી અને કાળા મરી એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. સૂકી ઉધરસ માટે એક ગ્લાસ પાણીમાં પાંચથી છ તુલસીના પાન અને કાળા મરી ઉમેરીને બરાબર ઉકાળો. પાણી અડધું બચે પછી તેને ગાળી અને તેમાં મધ ઉમેરી દિવસમાં બે વખત પીઓ.