હેલ્થ ટિપ્સઃ સૌંદર્ય માટે જ નહીં, દાંત માટે પણ સારું છે એલોવેરા

Saturday 27th July 2024 07:56 EDT
 
 

એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધિ છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે જ રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા જેલને જો ટૂથપેસ્ટ તરીકે ઉપયોગમાં લ્યો છો તે તેનાથી દાંતને ફાયદો થવાની સાથે ઓરલ હેલ્થ પણ સુધરે છે. એલોવેરા જેલમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક ગુણ હોય છે, જે મોંના બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે અને દાંત તેમજ પેઢાની સમસ્યા મટાડે છે. આ જેલનો ઉપયોગ તમે પ્રાકૃતિક ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરી શકો છો.
એલોવેરા જેલથી થતા લાભ
એલોવેરામાં રહેલા તત્વો મોંની સફાઈમાં મદદ કરે છે અને દાંતને સડતા અટકાવે છે. પ્લાકની સમસ્યાથી બચવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. રોજ એલોવેરા જેલનો ઉપયોગ બ્રશ કરવા માટે કરશો તો શ્વાસની દુર્ગંધ દૂર થશે. સાથે જ મોંમાં તાજગી આવશે. એલોવેરા પેઢાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે પેઢામાંથી નીકળતા લોહીને અટકાવે છે અને સોજા ઉતારે છે. એલોવેરા જેલ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ હોય છે. જે દાંતને સડતા રોકે છે અને દાંતને મજબૂત બનાવે છે. એલોવેરાને તમે ડેન્ટલ કેર રૂટિનમાં સામેલ કરી શકો છો.
ઉપયોગ કઈ રીતે કરશો?
બહુ સરળ ઉપયોગ છે. તાજા એલોવેરાના પાન તોડી તેમાંથી તેનો ગર કાઢી ઉપયોગમાં લેવો. જો ફ્રેશ એલોવેરા ન મળે તો તમે માર્કેટમાં મળતા શુદ્ધ એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. ટૂથબ્રશ પર થોડી માત્રામાં એલોવેરા જેલ લગાવો અને સામાન્ય રીતે બ્રશ કરો. બ્રશ કર્યા પછી સારી રીતે કોગળા કરી મોં સાફ કરી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter