આજકાલની ભાગદોડભરી જીવનશૈલીની સૌથી મોટી આડપેદાશ છે મેન્ટલ સ્ટ્રેસ (માનસિક તણાવ). જોબ હોય કે બિઝનેસ, સ્ટ્રેસ કોઇને જંપવા દેતો નથી. આ તણાવનો સામનો કરવા આમ આદમીથી માંડીને મોટા મોટા બિઝનેસમેન ધ્યાન (મેડિટેશન) કરે છે. આ એક અસરકારક ઉપાય છે, અને આનાથી ઘણા અંશે માનસિક રાહત વર્તાય છે, પરંતુ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંના એક ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ જરા જુદી રીતે રિલેક્સ થાય છે. પણ કઇ રીતે?
સુંદર પિચાઈ કહે છે કે તેઓ કામનો તણાવ ઘટાડવા માટે એનએસડીઆર (NSDR) એટલે કે નોન-સ્લીપ ડીપ રેસ્ટનો સહારો લે છે. તેઓ કહે છે કે ‘મને એક પોડકાસ્ટ થકી આ વિશે જાણવા મળ્યું હતું. એમાં ઊંઘ લીધા વિના જ આરામ વડે તમે તમારા શરીરને ફરી કામ કરવા માટે ઊર્જાવાન બનાવી શકો છો. જ્યારે પણ મને ધ્યાન કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે હું એનએસડીઆર સંબંધિત વીડિયો શોધું છું. ૧૦, ૨૦ અને ૩૦ મિનિટના આ વીડિયો થકી એનએસડીઆર કરવાનો પ્રયાસ કરું છું.’
હકીકતમાં એનએસડીઆરની શોધ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રો. એન્ડ્રુ હ્યુબરમેને કરી છે. NSDRમાં વ્યક્તિએ આંખો બંધ કરીને પથારી કે જમીન પર સૂઈ જવાનું હોય છે. પછી કોઈ એક ચીજ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. હ્યુબરમેનના મતે, NSDR લોકોને આરામ કરવામાં, વધુ સરળતાથી ઊંઘવામાં, તણાવ અને ચિંતા ઘટાડવામાં, દુખાવો ઓછો કરવામાં તેમજ કંઈક ઝડપથી શીખવામાં મદદરૂપ થઈ શકે છે. આ પદ્ધતિ એક રીતે યોગનિદ્રા જેવી છે. પ્રાચીનકાળમાં સૌથી પહેલા ઋગ્વેદમાં એનો ઉલ્લેખ મળે છે. એટલું જ નહીં, ઉપનિષદોમાં પણ એનો ઉલ્લેખ છે.
કઇ રીતે કરી શકાય NSDR?
સ્ટેપ-1ઃ કોઈ શાંત અને ઓછા ઉજાશવાળી જગ્યાએ પીઠના ટેકે સૂઇ જાઓ. શરીરને સંપૂર્ણ ઢીલું છોડી દો. ખુલ્લી હથેળીઓ આકાશ તરફ રાખો.
સ્ટેપ-2ઃ ઊંડા શ્વાસ લો. પછી સામાન્ય શ્વાસ સાથે બધું ધ્યાન જમણા પગના પંજા પર કેન્દ્રિત કરો. મનમાં કોઈ વિચારો ના લાવો અને એને રોકવાનો પ્રયાસ કરો.
સ્ટેપ-3ઃ હવે તમારું ધ્યાન પંજાથી ઘૂંટણ, પછી જાંઘ તરફ લાવો. આ જ પ્રક્રિયા ડાબા પગ સાથે કરો. આમ કરીને ગળું, છાતી વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરો.
સ્ટેપ-૪ઃ ઊંડા શ્વાસ લેતા રહો અને થોડી વાર એ જ સ્થિતિમાં સૂતેલા રહો. ધીમેથી તમારું ધ્યાન આસપાસના વાતાવરણ પર લઈ જાઓ. જમણી બાજુ ફરી ડાબી નાસિકાથી શ્વાસ છોડો.
સ્ટેપ-5ઃ આવું કરવાથી શરીરનું તાપમાન ઘટશે. થોડી વાર પછી ધીમેથી ઊઠો અને બેસો, અને ધીમે ધીમે આંખો ખોલો. આ સમગ્ર પ્રક્રિયા કરવા ૧૦થી ૧૫ મિનિટનો સમય લો. તમે ઘણી જ રાહત અનુભવશો.