હેલ્થ ટિપ્સઃ સ્ટ્રેસ ઘટાડશે આ સુપર ફૂડ

Saturday 24th July 2021 08:27 EDT
 
 

આજકાલ અનેક લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય કામના અસહ્ય દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી હોય છે. માનસિક તણાવમાંથી બચવા માટે જીવનશૈલીમાં તો બદલાવ કરવો આવશ્યક છે જ સાથોસાથ તેને અનુરૂપ ભોજનશૈલી પણ અપનાવવી જોઇએ. કેટલાક ખાદ્ય પદાર્થો એવા છે જેને તમે ભોજનમાં કે રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરશો તો તે મેન્ટલ સ્ટ્રેસ - માનસિક તણાવ હળવો કરવામાં ઘણા ઉપયોગી બનશે.
• બેરીઃ બેરીમાં એન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે. તેના સેવનથી વ્યક્તિનાં ક્રોનિક સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. તે ખાધા પછી તરત જ લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે છે જેથી રાહત થાય છે. રાસ્પબેરી, બ્લુબેરી, બ્લેકબેરી અને સ્ટ્રોબેરી સ્ટ્રેસ હળવો કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
• ડાર્ક ચોકલેટઃ વ્યક્તિ દબાણમાં હોય ત્યારે ગળ્યું ખાવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં ડાર્ક ચોકલેટ પર પસંદગી ઉતારવી સંશોધકોના મતે રોજની ૪૦ ગ્રામ ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસમાં રાહત મળે છે. આ ચોકલેટ મગજમાં બીટા એન્ડોર્ફિન્સનો સ્ત્રાવ કરે છે જેથી રાહત મળે છે.
• સેલરીઃ સ્ટ્રેસનો ભોગ બનનાર વ્યક્તિની ઊંઘ ઘટી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે સેલરીનું સેવન કરવું જોઈએ. સેલરીમાં ટ્રીપ્ટોફન હોય છે જે મગજમાં સેરોટોનિનનો સ્રાવ વધારે છે. જેથી મગજ શાંત થાય છે અને અને સારી ઊંઘ આવે છે. ઘણી વખત શુગર-ફ્રી પીનટ બટર પણ રાતના સમયે લેવાથી ઉંઘ સારી આવે છે.
• લસણઃ લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આવા સંજોગોમાં લસણનું સેવન કરવું જોઈએ. લસણમાં એન્ટિ-વાઇરલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-બેક્ટેરિયલ તત્ત્વો હોય છે. તેનું રોજિંદું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
• કોબિજઃ કોબિજ તેમજ તેના જેવા અન્ય શાકભાજી જેમ કે, ફ્લાવર, બ્રોકોલી, બ્રસેલ્સ, સ્પ્રાઉટ, કાલે, કોલાર્ડ, મસ્ટાર્ડ લિફ વગેરે તણાવમાં સૌથી વધુ મદદગાર સાબિત થાય છે. આ શાકભાજી લિવરને ડિટોક્સિફાઇડ કરે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.
• ઓલિવ ઓઇલઃ ઓલિવ ઓઇલ હૃદયરોગમાં તો ઉપયોગી છે જ પરંતુ તે સ્ટ્રેસમાં પણ અસરકારક સાબિત થાય છે. સંશોધકોના મતે સલાડ અને શાકભાજીમાં એકસ્ટ્રા ઓલિવ ઓઇલ નાખીને ખાવાથી લાભ થાય છે. ખોરાક રંધાઈ ગયા પછી તેના પર વર્જિન ઓલિવ ઓઇલ રેડીને ખાવાથી સ્ટ્રેસમાં રાહત મળે છે.
• નટ્સઃ આપણે માનસિક તણાવ અનુભવીએ છીએ ત્યારે શરીરમાંથી ઘણા વિટામિન અને મિનરલ્સ ઓછા થવા લાગે છે. આવા સંજોગોમાં બદામ, અખરોટ વગેરે ખાવા અસરકારક સાબિત થાય છે. બપોર પછી આવા નટ્સ લેવાથી રાહત રહે છે. તેનાથી વિટામિન બી, ઝિંક, મેગ્નેશિયમના સ્તરમાં વધારો થાય છે, જે સરવાળે સ્ટ્રેસ ઘટાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter