હેલ્થ ટિપ્સઃ સ્વસ્થ જીવનનું રહસ્ય છે સમતોલ આહાર

Saturday 10th September 2022 08:41 EDT
 

સમાજમાં નજર કરશો તો કેટલાક વડીલો જોવા મળશે કે જેઓ 80ની ઉંમર વટી જવા છતાં સક્રિય અને સતત કાર્યરત હોય છે. તો બીજી બાજુ એવા લોકો પણ છે જેઓ 60 વય વટતાં જ નાની-મોટી અનેક વ્યાધિથી પીડાતા હોય છે. વ્યક્તિની ઉંમર ભલે કંઇ પણ હોય, તેના સ્વાસ્થ્યમાં આહારની ભૂમિકા મહત્ત્વની છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ પૌષ્ટિક આહારની જરૂરિયાત પણ વધતી જાય છે. યોગ્ય આહાર અને જીવનશૈલીને અપનાવીને સ્વસ્થ જીવન પસાર કરી શકાય છે. નિરામય સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ કેવા પ્રકારની આહારશૈલી અપનાવવી જોઇએ તે અહીં સુચવ્યું છે. આ જનરલ સુચન છે, કોઇ પણ વ્યક્તિએ તેનો અમલ કરતાં પહેલાં પોતાની શારીરિક તાસીરને ધ્યાનમાં લે તે આવશ્યક છે. જરૂર પડ્યે તમે તમારા જીપીનું માર્ગદર્શન પણ મેળવી શકો છો.
સવારનો નાસ્તો
સવારે નાસ્તામાં તમે ચા અને બિસ્કીટ ખાઇ શકો છો. બિસ્કીટમાં સોડિયમ હોય છે, અને ઘડપણમાં શરીરને સોડિયમની જરૂરિયાત વધારે રહે છે. જો તમારા દાંત મજબૂત હોય અને તમને ડાયાબિટીસની તકલીફ ના હોય તો સવારે ચા સાથે અખરોટ અને અંજીર ખાઇ શકો છો. સવારે ઊઠ્યા બાદ બે કલાકની અંદર નાસ્તો કરવો જરૂરી છે. આ ઉપરાંત પ્રોટીનયુક્ત આહાર જેમ કે ફણગાયેલા કઠોળ અને દૂધ પણ લઇ શકો છો. આ સિવાય નાસ્તામાં પૌઆ, ઉપમા, પુડલા અથવા પરોઠા આરોગી શકો છો. નાસ્તા સાથે જ એક જ ફળ જરૂરથી આરોગવું.
બપોરનું ભોજન
બપોરનું આખું ભાણું જમવું, એટલે કે બપોરના ભોજનમાં દાળ, ભાત, રોટલી, શાક, દહીં, સલાડ, અથવા સૂપનો સમાવેશ કરવો. આ ઉપરાંત આહારમાં અલગ અલગ દાળનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તમે મિક્ષ દાળ પણ આરોગી શકો છો. સાંજની ચા સાથે પૌંઆ, ઉપમા, ફણગાવેલ કઠોળની ચાટ, ચણા અથવા દાળના પુડલા પણ આરોગી શકો છો.
રાતનું ભોજન
રાતના ભોજનમાં દરેક પ્રકારના અનાજનો સમાવેશ કરવો. જેમ કે, દાળ, રાબ અને ફાડાની ખીચડી. આ ઉપરાંત તમે દરેક પ્રકારની શાકભાજી પણ રાતના ભોજનમાં આરોગી શકો છે. રાતના ભોજન પછી 5થી 10 મિનિટ સુધી વોક અવશ્ય લો. જો તમને ચાલવામાં તકલીફ રહેતી હોય તો દીવાલ અથવા વોકર પકડીને થોડા થોડા ડગલાં ચાલો. જો ડોક્ટરે ચાલવાની મનાઇ કરી હોય તો પણ ભોજન કર્યા પછી તરત જ આડે પડખે થવાનું કે સૂઇ જવાનું ટાળવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter