સમગ્ર વર્ષ દરમિયાન જોઇએ ત્યારે વાજબી ભાવે મળી રહેતાં અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયાં ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન વધારે જોવા મળે છે. આ શક્કરિયાં અઢળક ગુણોનો ખજાનો છે.
શક્કરિયાંમાં વિટામિન બી૬ રહેલું છે. વિટામિન બી૬ શરીરમાં ઉંમર વધવાને કારણે થતાં રોગોની શક્યતાને ઓછી કરે છે. અને હૃદય સંબંધિત રોગોને દૂર રાખે છે. શક્કરિયાંમાં વિટામિન-સી પણ છે. વારંવાર થતી શરદી અને ખાંસીને દૂર રાખવા માટે વિટામિન-સી ઉપયોગી છે. આ ઉપરાંત શરીરમાં રક્તકણો ઉત્પન્ન કરવા અને પાચન સારું રાખવા માટે પણ વિટામિન-સી ઉપયોગી છે. આનાથી શરીરને થયેલી ઇજામાં રૂઝ ઝડપથી આવે છે. શક્કરિયાં શક્તિનો પણ સારો સ્રોત છે. તેના સેવનથી થાક ઓછો લાગે છે. વળી તે ત્વચાને યુવાન રાખવામાં પણ મદદરૂપ છે. શરીરને ટોક્સિનથી દૂર રાખીને કેન્સરની સંભાવના સાથે રક્ષણ આપે છે.
શક્કરિયાંમાં વિટામિન-ડી પણ છે. શરીરને સૂર્યપ્રકાશથી પણ વિટામિન-ડી મળે છે, જે બીમારીને દૂર રાખે છે. ઉપરાંત, તેનાથી શરીરને એનર્જી મળવા ઉપરાંત તે હૃદય, નસ, ત્વચા, દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. તેનાથી થાઇરોઇડ ગ્રંથિ પણ સારી રીતે કાર્ય કરે છે. જે લોકોને થાઇરોઇડની સમસ્યા હોય તેઓ પણ શક્કરિયાં ખાય તો રાહત થઇ શકે છે.
શક્કરિયાંમાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ પણ માનવ શરીર માટે ખૂબ ઉપયોગી છે. મેગ્નેશિયમ લોહી, હાડકાં, હૃદય, મસલ્સ અને નર્વસિસ્ટમને સક્રિય રાખવામાં સહાયક થાય છે. પોટેશિયમ પણ ખૂબ ઉપયોગી ઇલેક્ટ્રોલાઇટ છે. તે હૃદયના ધબકારાને નિયમિત રાખે છે. સોજાને ઘટાડે છે અને કિડનીની કામગીરી વ્યવસ્થિત રીતે ચલાવે છે.
શક્કરિયામાં બીટા-કેરોટિન આવેલું છે, જે શરીરને વિટામિન-એ પૂરું પાડે છે. તેનાથી દૃષ્ટિ સારી થાય છે અને રોગ સાથે રક્ષણ મળે છે. ઉપરાંત, તેનાથી ઉંમરને કારણે થતાં રોગ દૂર થાય છે અને કેન્સરને પણ દૂર રાખે છે.
શક્કરિયાં બાફીને ખાવા વધારે સારાં રહે છે. તેને ચીરીને, છોલીને ખાવાથી તેનો ગળ્યો સ્વાદ વધારે સ્વાદિષ્ટ લાગે છે. દિવસ દરમિયાન એક શેકેલું શક્કરિયું ખાઇ શકાય છે. એનાથી શરીર માટે જરૂરી તમામ વિટામિન્સ અને ખનિજ મળી રહેવાની સાથે પૂરતી ઊર્જા પણ મળી રહે છે.
શક્કરિયાંમાં આયર્ન પણ રહેલું છે. આયર્નથી શરીરમાં લાલ અને સફેદ રક્તકણો ઉત્પન્નન થાય છે. તે ઉપરાંત તેનાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરવાની સાથે શક્કરિયાંમાં રહેલું આયર્ન શરીરને ઊર્જા પ્રદાન કરે છે.