વડીલોએ સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે, કારણ કે વધતી ઉંમર સાથે તેમના શરીરની ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડવા લાગે છે. આમાં ધીરે ધીરે બીમારીઓ શરીરમાં ઘર કરતી જાય છે, આ કારણોસર વધતી ઉંમર સાથે ફિટ રહેવા માટે નિયમિત યોગાસન કરવા જરૂરી છે. યોગાસન તમને શારીરિક રીતે તો ચુસ્ત-દુરસ્ત બનાવે જ છે, પણ સાથે સાથે તમને માનસિક બીમારીઓથી પણ બચાવે છે. અલબત્ત, જો તમારી ઉંમર 50 વર્ષ કે તેનાથી વધારે હોય તો યોગ કરતી વખતે કેટલી બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનું જરૂરી છે.
• વોર્મઅપ આવશ્યકઃ યોગ અથવા કસરત કરતી વખતે દરેક ઉંમરના વ્યક્તિએ વોર્મઅપ કરવું જરૂરી છે, પણ ઉંમરલાયક વ્યક્તિ માટે તે વધારે જરૂરી છે. કારણ કે વોર્મઅપ કર્યા વગર સીધા યોગ કે કસરત કરવાથી શરીર જકડાઈ ગયેલું હોવાથી શારીરિક ઈજા પણ થઈ શકે છે. યોગ કરવા પહેલાં શરીરને થોડુંક લવચીક અને સ્ફૂર્તિલું બનાવવું જરૂરી છે, જેથી અલગ અલગ પોશ્ચર કરતી વખતે તમારા હાડકાં અને અન્ય શારીરિક અંગોને હાનિ પહોંચે નહીં. વોર્મઅપ કરવાથી શરીરને થોડી ઉષ્મા મળે છે અને તમને એનર્જી પણ મળે છે.
• સરળ યોગથી શરૂઆતઃ ઘણી વખત વડીલો અજાણપણે જ અઘરા આસન સાથે યોગાભ્યાસ શરૂ કરી દે છે. શરીરને કેળવ્યા વગર સીધા જ મુશ્કેલ યોગ કરવાથી સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. તેનાથી સ્નાયુઓમાં ખેંચાણ આવી શકે છે તેમજ ગંભીર ઈજા થવાનો પણ ભય રહે છે. આ કારણોસર અઘરા યોગના બદલે તમે સુખાસન, દંડાસન અને અનુલોમ-વિલોમથી યોગ કરવાની શરૂઆત કરી શકો છો. તેનાથી ધીરે ધીરે તમને અઘરા યોગ કરવા માટે પણ સાનુકૂળતા રહેશે.
• ખાલી પેટે યોગ ટાળોઃ કેટલાક લોકો ખાલી પેટે કસરત કે યોગ કરે છે. ખાલી પેટે કસરત કે યોગ કરવાથી શરીરને વધુ તકલીફ થાય છે. જો તમે સવારે યોગાભ્યાસ કરી રહ્યા હોવ તો તમારે થોડો કાર્બ્સવાળો ખોરાક આરોગવો જરૂરી છે. તેનાથી તમને એનર્જી મળે છે. યોગ કરતી વખતે શરીરને એનર્જીની જરૂર પડે છે, નહીં તો શરીર વધારે થાક અનુભવે છે.
• ઝડપથી યોગ કરવાનું ટાળવુંઃ ઘણા લોકોને ઝડપથી યોગ કરવાની આદત હોય છે. તેનાથી તમને શારીરિક ઈજા થવાનો ભય રહે છે. આ ઉપરાંત તેનાથી સ્નાયુઓ જલ્દી થાકી જાય છે અને શ્વાસ સંબંધિત તકલીફ પણ થઈ શકે છે. એક વાત ધ્યાનમાં રાખવી કે યોગ કરવા દરમિયાન ઊંડા શ્વાસ લો અને છોડો તેનાથી શરીરના આંતરિક ભાગો સ્વસ્થ બને છે અને ફેફસાં પણ મજબૂત થાય છે.
• યોગ કર્યાં પછી આરામઃ જે રીતે કસરત અને યોગ કરતા પહેલાં વોર્મઅપ જરૂરી છે એ જ રીતે યોગાભ્યાસ કર્યાં પછી આરામ કરવો પણ જરૂરી છે. આથી જ યોગ કર્યા પછી શરીરને રિલેક્સ કરવા માટે શવાસન કરવામાં આવે છે. આમ યોગ કરતાં પહેલાં અને પછી આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.