હેલ્થ ટિપ્સઃ હળદર ખાઓ અને ખવરાવો

Monday 27th December 2021 04:40 EST
 
 

દરરોજના ભોજનમાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ કાઢી વગેરેમાં વપરાતી સુકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આપણું આર્યુવેદ તો હળદરનો મહિમા ઘણા વર્ષો પહેલાં જ જણાવી ચૂક્યું છે. અને હવે આધુનિક તબીબી જગત દ્વારા થતાં સંશોધનોમાં પણ હળદરના લાભ જાણવા મળી રહ્યા છે. આવો, આજે આપણે જાણીએ હળદરના મનુષ્ય શરીરને માટે આ લાભદાયી ઉપાયો અને ઉપચારો...
• કેન્સર થતું અટકાવેઃ સિગારેટ પીવાથી થતાં ફેફસાંના રક્ષણ આપવાનું કામ હળદર કરે છે. આ માટે જવાબદાર હળદરમાં રહેલા બીટાકેરોટીન છે. કેન્સરની અસરને કારણે જ્યારે કોષ એકબીજાને સાથે ચોંટે અને ગાંઠ થાય તે ક્રિયા (મ્યુટેજીનીસીટી)ને હળદર અટકાવે છે.
• એઇડ્સમાં રાહતઃ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ હળદરનો એકસ્ટ્રેક્ટ ક્યુરકુમીનનો એઇડ્સના રોગીઓમાં પ્રયોગ કર્યો ત્યારે તેમને એઇડ્સના દર્દમાં ઘણી રાહત થઇ. હળદરને બીજી દવાઓની સાથે આપવાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયો.
• સાંધાના વા અને રૂમેરોઇડ આર્થારાઇટીસઃ રોજ એક ચમચી સવારે અને સાંજે હળદરનો રસ પીવાથી વાના દર્દીઓ દુખાવામાં રાહત અનુભવે છે. આંગળા, ઢીંચણ, કાંડા, કોણી વગેરેના સાંધામાં થયેલ સોજો ઓછો થાય છે.
• પેટનો ગેસ અને ઝાડાઃ જ્યારે પેટમાં દુખતું હોય ત્યારે હળદરનો પાવડર અથવા લીલી હળદર રોજ ૨૫ ગ્રામ જેટલી લેવાથી ઝાડા અને પેટમાં ગેસના કારણે થતા દુખાવામાં ઘણો ફેર પડશે.
• અસ્થમા (દમ)ઃ રોજ એક ચમચી હળદરનો પાવડર અથવા બે ચમચી લીલી હળદર સવાર-સાંજ લેવાથી દમના રોગીઓની શ્વાસનળી સંકોચાઇ જવાની ક્રિયા ઓછી થાય છે. પરિણામે તેઓ સરળતાથી ઊંડો શ્વાસ લઇ શકે છે. ભરાયેલો કફ નીકળી જાય છે અને બધી જ રીતે રાહત થાય છે.
• હૃદયરોગઃ હળદરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાનો ગુણ છે. પ્લેટલેટની એકબીજા સાથે ચોંટી જવાની ક્રિયા પણ ધીમી પડી જાય છે. હળદરમાં રહેલ બીટાકેરોટીનથી હૃદયની કોરોનરી આર્ટરીમાં ક્લોટ (ગઠો) થતો નથી. જેથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે.
• લિવરનો સોજોઃ હળદરનું મૂળ તત્ત્વ ક્યુરકુમીન છે. આથી તમે હળદરને તમે નિયમિત લેશો તો લિવરમાં સોજો નહીં થાય. લિવર અને ગોલ બ્લેડરમાંથી નીકળતાં બાઇલ સોલ્ટ બીબીરૂબીન અને કોલેસ્ટ્રોલ પૂરેપુરી રીતે નીકળશે. હળદરના ચમત્કારથી મોટી ઉંમરે પણ બાઇલ (પિત્ત) પૂરતા પ્રમાણમાં નીકળશે, જેથી પાચનક્રિયા સારી રહેશે. વાતાવરણમાંથી તમારા શરીરમાં ગયેલા બધા ટોક્સિક (ઝેરી) પદાર્થો સામે હળદર લિવરનું રક્ષણ કરશે.
• હોજરીમાં દુખાવો અને અલ્સરઃ નિયમિત હળદરનું સેવન કરવાથી તમારી હાજરીની અંતરત્વચાનું રક્ષણ કરનાર મ્યુસીન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થશે. આનાથી હોજરીમાં ઉત્પન્ન થનાર એસિડને લીધે અલ્સર થશે નહીં અને પેટમાં દુખશે નહીં.
• ચામડીની સુંદરતાઃ હળદર મોં વાટે લેવાથી તેમજ ગુલાબ જળની સાથે મિશ્રણ કરી ચામડી ઉપર લેપ લગાડવાથી ચામડીની સુંદરતા વધે છે. ચામડીના રોગોમાં પણ તે રાહત આપે છે.
• એનિમિયાઃ ૧૦૦ ગ્રામ હળદરમાં ૧૯ મિલીગ્રામ જેટલું આર્યન અને વિટામિન એ હોય છે. હળદરના નિયમિત સેવનથી એનિમિયામાં અને આંખની જોવાની શક્તિમાં ઘણો ફાયદો થાય છે. પડવા-વાગવાથી, દાઝવાથી થતી ચામડીની દરેક પ્રકારની તકલીફો તેમજ નાના દુખાવા માટે હળદરને ગુલાબજળની સાથે મિશ્રણ કરીને બનાવેલ પેસ્ટ લગાવો. આનાથી ચામડીનો સોજો, છોલાવાથી થયેલી ઇજા, દાઝવાની ઇજા અને સાંધા કે સ્નાયુના દુખાવામાં ઘણી રાહત થશે. આમ હળદર ખૂબ જ ફાયદાકારક છે. ભોજનમાં નિયમિત લીલી હળદર ૧૦ ગ્રામ જેટલી અથવા તો પાવડર રોજ બે ચમચી લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધવાની સાથે તમારું આરોગ્ય સારું રહેશે. નિયમિત હળદર ખાઓ અને ખવરાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter