હેલ્થ ટિપ્સઃ હળદર સ્વાસ્થ્ય પણ સુધારે, સુંદરતા પણ વધારે

Saturday 14th August 2021 12:58 EDT
 
 

ભારતીય રસોઇમાં હળદરનું આગવું સ્થાન છે. દરેક ભારતીય રસોડામાં જોવા મળતી હળદર અનેક રોગોની સારવારમાં ઉપયોગી હોવાની સાથોસાથ સુંદરતા વધારવા માટે પણ એટલી જ લાભકર્તા છે. હળદરની તાસીર ગરમ હોય છે તથા કડવો સ્વાદ ધરાવે છે. તેનો ઉપયોગ દાળ-શાકમાં સ્વાદ ઉમેરવા તથા રંગ આપવા વધુ થતો હોય છે, પણ હળદરમાં રહેલ કર્કયુમિન તત્વ અનેકવિધ દવાઓ અને કોસ્મેટિક્સ બનાવવામાં વપરાય છે.

• અનેકવિધ રોગોમાં ઉપયોગી
કર્કયુમિન હળદરનું સક્રિય તત્વ છે અને તેમાં જૈવિક ગુણધર્મો રહેલા છે. આયુર્વેદમાં વિવિધ પ્રકારના આરોગ્યને લગતી બાબતોમાં હળદરનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. હળદરનો ઉપયોગ સાંધાના દુઃખાવા તથા બળતરાને દૂર કરવા માટે થાય છે. આ ઉપરાંત તાવ, ડિપ્રેશન, હાઈ કોલેસ્ટરોલ, લિવર સંબંધિત સમસ્યા તથા ખંજવાળ જેવી સમસ્યાના નિવારણમાં પણ ઉપયોગી થાય છે. હળદર ત્વચા સંબંધિત અનેક રોગ, હાર્ટબર્ન, ઘા, પાચનને લગતી બીમારીઓ, સ્ટ્રેસ વગેરે તકલીફોમાં રાહત આપે છે.
• એન્ટિસેપ્ટિક ગુણધર્મો
હળદર એન્ટિસેપ્ટિક ગુણધર્મો ધરાવતી હોવાથી સુકી ખાંસી, શરદી-કફ, ઉધરસ, પેટનો દુઃખાવો, ઈજા તથા ત્વચા સંબંધિત સમસ્યાઓની સારવારમાં બહુ ઉપયોગી છે. તે એન્ટિઓક્સિડન્ટ હોવાથી તે લિવરને નુકસાનથી બચાવે છે. ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત રોજ ગરમ પાણી અને હળદરને એકસાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે.
• સૌંદર્યવર્ધક ગુણ
આંખોની નીચે કાળાં કુંડાળાં પડી ગયા હોય તો હળદર, ૧ ચમચી લીંબુનો રસ, ૧ નાની ચમચી ચણાનો લોટ અને એક ચમચી ટામેટાંનો રસ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ આંખોની નીચે કાળા કુંડાળા ઉપર ૧૦ મિનિટ લગાવી રાખો અને પાણીથી ધોઈ લો. આનાથી આંખોની નીચેનાં કાળાં કુંડાળા દૂર થઈ જશે.
• ડાયાબિટીસ નિયંત્રણ
ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને હળદરવાળું ગરમ પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રહે છે. આ સિવાય જે લોકોને શ્વાસસંબંધિત રોગો અથવા તો સાયનસ કે પછી કફની તકલીફ હોય તો તેને દૂર કરવા માટે હળદરને દૂધમાં નાંખીને એનું સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દૂર કરી શકાય છે.
• વજન ઘટાડવામાં મદદરૂપ
વજન ઘટાડવા ગરમ પાણી અને હળદર ખૂબ ફાયદાકારક છે. વધારે વજનથી જે લોકો પરેશાન હોય તેમણેદર રોજ સવારે ગરમ પાણી સાથે હળદર ખાવી જોઈએ. આવું કરવાથી વજન ઓછું થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter