શિયાળાની સાથે જ લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ જાય છે. લગ્નો દરમિયાન રોજિંદી દિનચર્યા અને ખાણી-પીણીની શૈલી બદલાઈ જતી હોય છે. જો ડાયાબિટીસ હોય તો વધી જવાનું જોખમ વધી જાય છે. જોકે કેટલીક સરળ રીતો અપનાવીને તમે તંદુરસ્તી જાળવવાની સાથે લગ્નનો આનંદ લઈ શકો છો. જેમ કે, કોઈ લગ્ન સમારોહમાં સામેલ થવાના દિવસે સવારનો નાસ્તો સંતુલિત રાખો. પનીર, ઈંડા કે દાળ વગેરેથી બનેલો નાસ્તો આરોગો. ઓટ્સ અને મિલેટ્સને પણ સામેલ કરો. તેનાથી શરીરને પ્રોટીનની સાથે જ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટનું સંતુલન મળે છે. આ નાસ્તો પાચનમાં સમય લે છે, જેના કારણે બ્લડસુગર વધી જવાનું જોખમ ઘટે છે. સાથે જ વહેલા ભૂખ પણ લાગતી નથી. આ ઉપરાંત લગ્નના દિવસે પણ નક્કી સમયે ભોજન કરી લો. તેનાથી ભૂખ લાગે ત્યારે ઓવરઈટિંગની શંકા ઓછી રહે છે. આ ઉપરાંત નિયમિત રીતે બ્લડસુગર ચેક કરતા રહેવું. તેનાથી સુગરમાં વધ-ઘટ વિશે તમે માહિતગાર રહેશે. બીજા કેટલાક ઉપાય અપનાવીને પણ સુગર વધવાનું જોખમ ઘટાડી શકો છો.
સૌથી પહેલા સલાડ જમો
બુફે દરમિયાન ભોજનનો એક ક્રમ નક્કી કરો. સૌથી પહેલાં સલાડ અને ઓછા તેલ-મસાલવાળા શાકભાજી જમો. તેનાથી શરીરને પૂરતું ફાઈબર મળશે. સુગર ધીમી ગતિએ અવશોષિત થશે. પછી પ્રોટીનવાળા ફૂડ જેમ કે, પનીર કે દાળ લો. રોટલી કે ચોખા એટલે કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું રાખો. જો ગળ્યું ખાવું જ હોય તો સૌથી છેલ્લે થોડા પ્રમાણમાં જમો.
પુરતો આરામ કરો
લગ્નો દરમિયાન સતત કાર્યક્રમ અને સમયના અભાવને કારણે થાક તથા સ્ટ્રેસ પેદા થાય છે. તેનાથી બ્લડ સુગર અસંતુલિત થઈ શકે છે. આથી કાર્યક્રમો દરમિયાન આરામ કરવાનું ન ભૂલો. જ્યારે પણ તક મળે ડીપબ્રિધ્રીંગનો અભ્યાસ કરો. તેનાથી તણાવ કાબુમાં રહેશે. સાથે જ સાત-આઠ કલાકની પૂરતી ઊંઘ લો.
ખુદને હાઈડ્રેટ રાખો, એક્ટિવ રહો
પાણીનો અભાવ બ્લડસુગરને અસર કરી શકે છે. આથી દિવસ દરમિયાન પૂરતું પાણી લો. નારિયેળ પાણી કે હર્બલ ચા પણ લઈ શકો છે. ઠંડા પીણા પીવાનું ટાળો. એક્ટિવ રહેવાથી પણ સુગરને કાબુમાં રાખવામાં વધુ મદદ મળે છે. સંગીત સમારોહમાં ડાન્સ કરવો એક સારી કસરત હોઈ શકે છે. જો આવી તક ન મળે તો કાર્યક્રમ દરમિયાન વચ્ચે નાના-નાના બ્રેક લઈને વોક કરી લો.