હેલ્થ ટિપ્સઃ હાર્ટ, સ્કિન, વજન બધા માટે બેસ્ટ છે મખાના

Saturday 22nd April 2023 06:36 EDT
 
 

રોસ્ટેડ મખાના ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે, અને ઘણાં લોકો બ્રેકફાસ્ટમાં તેનું સેવન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મખાના (ફોક્સ નટ) સદાબહાર સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારક છે? જો તમે નિયમિત રીતે એક મુઠ્ઠી મખાના ખાવાનું પણ રાખો છો તો તેનાથી તમને એકાદ-બે નહીં, છ ફાયદા થાય છે. મખાના પોષક તત્ત્વોનો ભંડાર હોય છે અને તેને ખાવાથી હાર્ટ, સ્કીન સારી થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તો ચાલો જાણીએ કે નિયમિત રીતે એક મુઠ્ઠી મખાના ખાવાથી કેટલા ફાયદા થાય છે?

મખાનામાં વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મખાનાને કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. મખાનાનું સેવન શરીરમાં પોષક તત્તવોની ઉણપને પૂરી કરવામાં મદદરૂપ થાય છે. મખાનામાં ગેલિક એસિડ, ક્લોરોજેનિક એસિડ જેવા એન્ટી-ઓક્સિડન્ટ તત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આહારમાં મખાનાનો સમાવેશ કરવાથી તમે હૃદયરોગ અને ટાઈપ-3 ડાયાબિટીસ જેવી ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડી શકો છો. એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોવાની સાથે મખાના શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધારવાનું કામ કરે છે, જેના કારણે શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેવા લાગે છે. મખાનાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવા માટે તમે મખાનાને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. મખાનામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. મખાના ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઝડપથી ઓછું થાય છે. ફાઈબરથી ભરપૂર હોવાના કારણે પાચનતંત્ર પણ સુધરે છે. મખાનાનું સેવન ત્વચાની સુંદરતા પણ વધારે છે. મખાનાને એન્ટી-એજીંગ તત્ત્વોનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. મખાનામાં એમિનો એસિડ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મખાના ખાવાથી વૃદ્ધાવસ્થાના લક્ષણોથી છુટકારો મળે છે અને ત્વચાનો ગ્લો વધે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter